પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહી છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. માત્ર એક મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 60% નો તોતિંગ વધારો થયો છે, જે હવે 113 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: તેલ પુરવઠાની નસ દબાઈ
વૈશ્વિક તેલ વ્યાપાર માટે સૌથી મહત્વનો ગણાતો દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અત્યારે સૈન્ય ગતિવિધિઓને કારણે લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. દુનિયાના કુલ તેલ પુરવઠાનો 20% હિસ્સો અહીંથી પસાર થાય છે. જહાજોની અવરજવર ખોરવાતા સપ્લાય ચેઈન તૂટી ગઈ છે, જેના કારણે બજારમાં ફાટફાટ તેજી જોવા મળી રહી છે.
ઉત્પાદન પર માઠી અસર: ઈરાક અને કતારની સ્થિતિ નાજુક
પુરવઠામાં અવરોધ માત્ર રસ્તાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ ઉત્પાદક દેશોમાં પણ સ્થિતિ ગંભીર છે, કતાર: ઈરાની હુમલામાં ઉર્જા મથકોને નુકસાન થતાં કતારની, LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસ ક્ષમતામાં 17%નો ઘટાડો થયો છે. ઈરાક: ઈરાકે તેના તેલ ક્ષેત્રોમાં 'ફોર્સ મેજ્યોર'(કટોકટી) જાહેર કરી છે. બસરા ઓઈલ કંપનીનું ઉત્પાદન જે અગાઉ 33 લાખ બેરલ પ્રતિ દિવસ હતું, તે ઘટીને માત્ર 9 લાખ બેરલ રહી ગયું છે.
શું ભાવ $135 સુધી જશે?
જાણીતી નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સેક્સના મતે, જો સપ્લાય લાઇન લાંબો સમય બંધ રહેશે અને દરરોજ 20 લાખ બેરલની અછત વર્તાશે, તો ક્રૂડ ઓઈલ 135 ડોલરની ઐતિહાસિક સપાટી વટાવી શકે છે. હાલમાં ભારતીય બજાર (MCX) પર પણ કાચા તેલના ભાવમાં 3.70%નો ઉછાળો જોવા મળ્યો છે, જેની સીધી અસર ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો