મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને રશિયન તેલ ખરીદવા માટે કામચલાઉ મુક્તિ (વેવર) આપી છે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે ભારતની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં રશિયન તેલ વહન કરતા વિશાળ જહાજોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ પગલું ભારતની ઉર્જા સુરક્ષા માટે માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે, જે મધ્ય પૂર્વના દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

સમુદ્રમાં કરોડો બેરલ તેલનો જથ્થો તૈનાત

શિપિંગ ડેટા અને બ્લૂમબર્ગના અહેવાલો મુજબ, હાલમાં રશિયાએ ભારતની પહોંચમાં હોય તેવા સમુદ્રી માર્ગો પર આશરે 15 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઇલ તૈનાત કર્યું છે. આ જંગી જથ્થો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક ડઝનથી વધુ ટેન્કરોમાં સંગ્રહિત છે. આ સિવાય, લગભગ 7 મિલિયન બેરલ 'યુરલ્સ' ગ્રેડનું તેલ વહન કરતા આઠ જહાજો સિંગાપોર પાસે લંગરાયેલા છે, જે ગમે ત્યારે ભારતીય બંદરો તરફ રવાના થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ જહાજો માંડ એક અઠવાડિયાના સમયમાં ભારતના કિનારે પહોંચીને પુરવઠો ઠાલવી શકે છે, જે ભારતીય રિફાઇનરીઓ માટે મોટી રાહત છે.

આયાતના જૂના રેકોર્ડ તૂટવાની શક્યતા

ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદનાર બન્યો હતો. જોકે, અમેરિકી પ્રતિબંધોના દબાણને કારણે વચ્ચેના ગાળામાં આ ખરીદીમાં ઘટાડો થયો હતો અને સાઉદી અરેબિયા ફરીથી ભારતનું ટોચનું સપ્લાયર બન્યું હતું. પરંતુ હવે બદલાયેલી સ્થિતિમાં, ભારત ફરીથી જૂના રેકોર્ડ તોડી શકે છે. અગાઉ જૂન 2023 માં ભારતે રશિયા પાસેથી દરરોજ 2.2 મિલિયન બેરલ તેલ ખરીદ્યું હતું. વર્તમાન છૂટછાટના સમયગાળામાં ભારત આ આંકડો વટાવી જશે તેવી પૂરી સંભાવના છે, કારણ કે હાલમાં 18 થી વધુ જહાજો સતત ભારત તરફ ગતિ કરી રહ્યા છે.

મોંઘા તેલનો પડકાર અને બદલાતું બજાર

રસપ્રદ વાત એ છે કે, હવે રશિયન તેલ પહેલાની જેમ સસ્તું નથી રહ્યું. અગાઉ રશિયા ભારતને મોટા ડિસ્કાઉન્ટ પર તેલ આપતું હતું, પરંતુ મધ્ય પૂર્વના સંકટને કારણે હવે સ્થિતિ ઉલટી થઈ છે. રશિયન તેલ હવે 'બ્રેન્ટ ક્રૂડ' કરતા પણ ઊંચા ભાવે એટલે કે પ્રીમિયમ પર વેચાઈ રહ્યું છે. તાજેતરના અઠવાડિયામાં જ ભાવમાં પ્રતિ બેરલ અંદાજે $12 નો વધારો જોવા મળ્યો છે. આમ છતાં, પુરવઠાની ખાતરી હોવાને કારણે ભારતીય રિફાઇનરીઓ ઊંચા ભાવે પણ રશિયન તેલ ખરીદવા તૈયાર છે, જેથી દેશમાં ઈંધણની અછત ન સર્જાય અને અર્થતંત્રને ગતિ મળતી રહે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો