વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓ કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા ઉપયોગ સાથે પોતાની કામગીરી અને માળખામાં ફેરફાર કરી રહી છે, જેની સીધી અસર રોજગાર પર જોવા મળી રહી છે. જર્મનીની અગ્રણી સોફ્ટવેર કંપની SAP આશરે 10,000 કે તેથી વધુ કર્મચારીઓને છટણી કરવા અંગે વિચારણા કરી રહી હોવાના અહેવાલો છે. જો આ યોજના અમલમાં આવશે, તો કંપનીના કુલ કર્મચારીઓમાંથી લગભગ ૧૦% સ્ટાફને અસર થઈ શકે છે. જોકે, આ પ્રસ્તાવ હજુ શરૂઆતના તબક્કામાં છે અને કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
AI અને ક્લાઉડ તરફ વળાંક
અહેવાલો મુજબ, SAP પોતાના બિઝનેસ મોડેલ અને ઓપરેટિંગ વ્યૂહરચનામાં મહત્વના ફેરફારો કરવાની તૈયારીમાં છે. આ દરખાસ્ત હજુ ચર્ચા હેઠળ છે અને કર્મચારી પ્રતિનિધિઓ સમક્ષ ઔપચારિક રીતે મૂકવામાં આવી નથી. કંપની પોતાના સોફ્ટવેર વ્યવસાયમાં AI ટેકનોલોજીનો ઝડપથી સમાવેશ કરી રહી છે અને ક્લાઉડ-આધારિત સેવાઓ તથા AI-સક્ષમ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે કાર્યબળમાં ફેરફાર જરૂરી બની શકે છે.
