ભારતને લઈને અમેરિકા હવે વધુ એક મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેનાથી ભારતને મોટો ફાયદો થશે. યુનાઈટેડ સ્ટેટ્સ ટૂંક સમયમાં ભારત પર લાદવામાં આવેલા ટેરિફને હટાવી શકે છે. ગુરુવારે, ભારતના મુખ્ય આર્થિક સલાહકાર, વી. અનંત નાગેશ્વરને તાજેતરના એક કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતમાંથી કેટલીક યુએસમાં આયાત કરવા પર લાદવામાં આવેલા 50 ટકા સુધીના ભારે ટેરિફને ટૂંક સમયમાં હટાવી શકાય છે. આ સૂચવે છે કે બંને દેશો વચ્ચેના વેપાર પ્રતિબંધો હળવા થઈ શકે છે.
ટ્રેડ ડીલને લઇને ભારત-યુએસ વચ્ચે વાતચીત
કોલકાતામાં મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે એક કાર્યક્રમમાં બોલતા, CEAએ જણાવ્યું હતું કે ભારત શરૂઆતમાં 25 ટકા ટેરિફ અને 25 ટકા દંડાત્મક ડ્યુટીને આધીન હતું, જે કુલ 50 ટકા હતું. આ દંડાત્મક ડ્યુટી તણાવને કારણે લાદવામાં આવી હતી. જો કે, તાજેતરના વિકાસ અને ચાલી રહેલી વાટાઘાટોને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 30 નવેમ્બર પછી આ વધારાની ડ્યુટી પાછી ખેંચી લેવામાં આવી શકે છે. સીઈએએ એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે પારસ્પરિક ટેરિફ મુદ્દાનો ઉકેલ આગામી થોડા મહિનામાં આવવાની શક્યતા છે. આનાથી વેપાર સુગમ થશે અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બનશે.













