દુનિયાભરના દેશોમાં પર્યટન ખુબ જ ઝડપથી વધી રહ્યું છે પણ અમેરિકામાં તેનાથી વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 2025માં પર્યટકોના ખર્ચમાં 12.5 બિલિયન ડોલર સુધીનો ઘટાડો થવાનું અનુમાન છે.

વિઝા નિયમોના ફેરફારને કારણે સ્થિતિ બગડી

ચોંકાવનારી વાત એ છે કે 184 દેશમાંથી અમેરિકા એકમાત્ર એવો દેશ છે, જ્યાં આ ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળ વિઝા ખર્ચમાં વધારો, ટેરિફ અને નેતાઓના રાજકીય નિવેદનને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ કારણ છે કે તેની સીધી અસર અમેરિકી ટુરિઝમ ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે. ટ્રમ્પની નીતિઓ અને હાલમાં વિઝા નિયમોએ અમેરિકાના પર્યટન પર મોટી અસર પાડી છે. નવી વિઝા ફી 250 ડોલર (21,500 રૂપિયા) લાગુ કર્યા બાદ અમેરિકા આવવાનો ખર્ચ હવે વધી ગયો છે.

પર્યટકોના આગમનમાં 8.2 ટકાનો ઘટાડો નોંધાયો

હવે એક પર્યટક વિઝાની કિંમત લગભગ 442 ડોલર (40,000 રૂપિયા) થઈ ગઈ છે, જે દુનિયામાં સૌથી મોંઘા વિઝા માનવામાં આવે છે અને તેની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યા પર પણ પડી રહી છે. એક અહેવાલ મુજબ 2024ના અંતમાં અનુમાન હતું કે 2026માં અમેરિકામાં વિદેશી પર્યટક 9 ટકા વધશે પણ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે. હવે અનુમાન છે કે 2025માં પર્યટકોના આગમનમાં 8.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2024માં પર્યટન દ્વારા 184 અરબ રૂપિયાની કમાણી થઈ હતી, ત્યારે 2025માં આ ઘટીને માત્ર 169 અરબ રૂપિયા રહી શકે છે.