વર્ષ 2021 માં, હ્લેઇંગ અને તેમની સેનાએ મ્યાનમારની લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા કબજે કરી હતી. અમેરિકા અને પશ્ચિમી દેશો મ્યાનમારની લશ્કરી સરકારને માન્યતા આપતા નથી. પરંતુ ટ્રમ્પના આ પત્રને રાજદ્વારી સંકેત માનતા હોય છે. હ્લેઇંગે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકા આર્થિક પ્રતિબંધો હટાવવાનું વિચારશે. આ જ કારણ છે કે તેઓ ખુશ છે. ટ્રમ્પને સંબોધીને પોતાના નિવેદનમાં, જનરલ હ્લેઇંગે તેમના 'દેશભક્તિ અને વૈશ્વિક શાંતિ તરફના પ્રયાસો' ની પ્રશંસા કરી છે.

આ પત્ર નહી 'આમંત્રણ' છે

જ્યારે મોટાભાગના દેશો અમેરિકાના ટેરિફને માથાનો દુખાવો માને છે. ત્યારે મ્યાનમારના લશ્કરી સરકારના વડા સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગે તેને 'સન્માનનું પ્રતીક' ગણાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે 1 ઓગસ્ટથી મ્યાનમારથી અમેરિકામાં થતી નિકાસ પર 40%નો ભારે ટેરિફ લાદવામાં આવશે. પરંતુ બળવા દ્વારા સત્તા પર આવેલા હ્લેઇંગે આ પત્રને 'આમંત્રણ' ગણાવ્યુ છે. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વોઇસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી એશિયા જેવા મીડિયાને ભંડોળમાં કાપ મૂકવાનું પણ સ્વાગત કર્યું છે. જે અત્યાર સુધી મ્યાનમારમાં સરકારી દમન સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સૈન્યએ સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમારમાં ભયંકર ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. લોકશાહી તરફી લડવૈયાઓ અને વંશીય બળવાખોર જૂથો દેશના વિવિધ ભાગોમાં લડી રહ્યા છે.

વૈશ્વિક મંચ પર મર્યાદિત સંપર્ક

યુએસ, યુકે અને યુરોપિયન યુનિયને મ્યાનમાર સૈન્ય પર પ્રતિબંધો લાદ્યા છે. વૈશ્વિક મંચ પર તેના પ્રતિનિધિઓ સાથે સંપર્ક મર્યાદિત કરવામાં આવ્યો છે. યુએસ અને મોટાભાગના પશ્ચિમી દેશો તેમની રાજધાનીમાં સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત રાજદૂતો પોસ્ટ કરતા નથી. જે રાજદ્વારી ઉપેક્ષા છે. મ્યાનમારના સેનાપતિઓ લાંબા સમયથી આ અંગે ગુસ્સે છે. પરંતુ તેઓ આ અઠવાડિયે યુએસ તરફથી પત્ર મેળવીને ખુશ છે. જનરલ હ્લેઇંગે, અમેરિકામાં વર્ષ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કથિત કૌભાંડના ટ્રમ્પના દાવાનો ઉલ્લેખ કરતા કહ્યું, "મ્યાનમારમાં પણ આવી જ ચૂંટણી અનિયમિતતાઓ થઈ હતી." પરંતુ એ નોંધનીય છે કે વર્ષ 2020ની મ્યાનમારની ચૂંટણીમાં, નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીના પક્ષને ભારે બહુમતી મળી હતી. જેને મુક્ત ચૂંટણી તરીકે માન્યતા આપવામાં આવી હતી.