અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ હાલમાં ડૉલરની શાખ બચાવવાના ફિરાકમાં છે. તેઓ ડૉલરની વૈશ્વિક પ્રતિષ્ઠા બનાવી રાખવા માટે ધમપછાડા કરતા જોવા મળી રહ્યા છે. આના પાછળ મુખ્ય કારણ એ છે કે, દુનિયાના મોટાભાગના દેશો દ્વારા અમેરિકી ડૉલર પર નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નો છે. ટ્રમ્પે બ્રિક્સ દેશ અને તેના નવા સહયોગીઓને જણાવ્યુ છે કે, જો તેઓ ડૉલરના સ્થાને અન્ય કોઇપણ ચલણી નાણું લાવવા માટે પ્રયત્ન કરશે તો તેમના પર 10% થી 100% જેટલું ટૈરિફ લગાવવામાં આવશે. અને અમેરિકા બજારમાંથી બહાર કાઢવામાં આવશે.


ડૉલર મામલે શું કહે છે ટ્રમ્પ ?

ડૉલર મામલે વર્ષ 2025માં તેની સ્થિતિ કમજોર જોવા મળી હતી. તેની કિંમતમાં વર્ષ 1973 બાદ ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પની નીતિઓ અને કાયદાઓએ વેપાર-ધંધા પર પ્રશ્નો ઉભા કર્યા છે. બજારમાં અનિશ્ચિતતાનો માહોલ ઉભો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, 'ડૉલર સ્ટેન્ડર્ડને ગુમાવવું એ વિશ્વ યુદ્ધને હારવા સમાન છે. આવું થવા પર તેઓ પહેલા જેવા મજબૂત દેશ નહી રહે. '

કયા દેશના ચલણ બન્યા અમેરિકા માટે પડકાર?

1. BRICS દેશ અને તેના નવા સભ્યો

બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા આ બધા દેશ મળીને ડૉલરના સ્થાને નવી કરન્સી લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેને “BRICS યૂનિટ” અથવા ડિજિટલ કરન્સી કહેવામાં આવે છે. ટ્રમ્પે આ મામલે કડક પ્રતિક્રયા આપી છે. અમેરિકાએ બ્રાઝીલ પર 50 ટકા ટૈરિફ લગાવ્યો છે.

2. CIS એટલે કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ દેશ

રશિયાના નેતૃત્ત્વમાં આર્મેનિયા, અઝરબૈજાન, બેલારુસ, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, મોલ્ડોવા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, યૂક્રેન વગેરે જેવા દેશ ભવિષ્યમાં ચુકવણી કરવા માટે ડૉલરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

3. ચીન અને રશિયાની યોજના

ચીને પોતાના યુઆનને આંતરરાષ્ટ્રીય ટ્રેડમાં પ્રમોટ કર્યુ છે. અને રશિયા સાથે મળીને પોતાની સ્થાનિક કરન્સીમાં વેપાર કરવાનું શરુ કર્યુ છે. બન્ને દેશોએ પોતપોતાના ડિજિટલ કરન્સી પ્લેટફોર્મ પણ શરુ કર્યા છે.

4. ભારત પણ બન્યુ પડકાર

ભારતે રશિયા અને અન્ય દેશો સાથે પોતાના ભારતીય રૂપિયામાં વેપાર શરુ કર્યો છે. પરંતુ હાલ 86% વેપાર ડૉલરમાં કરાઇ રહ્યો છે. ભારત આ મામલે મહત્ત્વના પગલા લઇ રહ્યુ છે. વર્ષ 2022માં RBIએ આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાથી ચુકવણી કરવા માટે પરવાનગી આપી હતી.

5. આફ્રિકા અને અન્ય ક્ષેત્રમાં ક્રાંતિ

આફ્રિકાએ પણ ડૉલરના સ્થાને પોતાના લોકલ કરન્સીથી વેપાર અને ચુકવણી શરુ કરી છે. જેના કારણે ટ્રેડિંગ સસ્તી અને સ્વતંત્ર થઇ શકે. રશિયા, ઇરાન, ઉત્તર કોરિયા જેવા દેશ પણ અમેરિકી ડૉલરના સ્થાને નવા વિકલ્પ શોધી રહ્યા છે. 

  • Follow us on: