ભારતમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે, ભારતના અર્થતંત્રને રશિયન તેલની જરૂર છે. તેમણે ભારતને રશિયાનો વિશ્વસનીય ભાગીદાર પણ ગણાવ્યો.

રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી

રશિયન રાજદૂત અલીપોવે કહ્યું કે, ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતનો એક તૃતીયાંશ ભાગ રશિયાથી આવે છે. અમે ભારત માટે એક સસ્તું વિકલ્પ રહ્યા છીએ. રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વૈશ્વિક સ્થિરતા માટે એક બળ તરીકે જોવામાં આવે છે. આ સંબંધ વિશ્વાસ પર બનેલો છે. અમે ભારતના મુખ્ય વેપારી ભાગીદાર અને ઉર્જા ક્ષેત્રમાં ભારતના સૌથી વિશ્વસનીય ભાગીદાર છીએ.

રશિયાએ ટ્રમ્પને શું સંદેશ મોકલ્યો ?

રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂત સંદેશ મોકલ્યો છે. રશિયન રાજદૂતે કહ્યું કે, અત્યાર સુધી, ગ્લોબલ નોર્થ ટેરિફ અને વિવિધ પ્રતિબંધો લાદી રહ્યું છે. આ દર્શાવે છે કે તેઓ બહુધ્રુવીય વિશ્વને સ્વીકારવામાં અનિચ્છા ધરાવે છે. આ વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધારામાં વિલંબ કરશે. આ સુધારા ખૂબ જ જરૂરી છે.

ટ્રમ્પના દાવાઓ અંગે ભારતે શું કહ્યું ?

ડૉનાલ્ડ ટ્રમ્પના દાવાઓ બાદ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે, ભારત તેલ અને ગેસનો એક મહત્વપૂર્ણ આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારી સતત પ્રાથમિકતા રહી છે. તેમણે ઉમેર્યું કે, ભારત તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.