વરિષ્ઠ કોંગ્રેસમેન બ્રેડ શેરમેને આરોપ લગાવ્યો છે કે, ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધુ ટેરિફ લાદવાનું બહાનું શોધી રહ્યા છે.
શું ફરી લાગશે ટેરિફ ?
વરિષ્ઠ યુએસ કોંગ્રેસમેનએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર અતિશય ટેરિફ લાદવાનું બહાનું શોધી રહ્યા છે અને ટ્રમ્પને તાત્કાલિક આ નીતિ પાછી ખેંચવા વિનંતી કરી છે. કોંગ્રેસમેન બ્રેડ શેરમેને બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર અતિશય ટેરિફ લાદવાનું બહાનું શોધી રહ્યા છે. હાઉસ ફોરેન અફેર્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કમિટીના વરિષ્ઠ સભ્ય શેરમેને કહ્યું કે ટ્રમ્પ દાવો કરે છે કે રશિયન તેલ આયાત કરવા બદલ ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા હતા.
તેલ ખરીદી મુદ્દે ફરી વિવાદ
તેમણે કહ્યું, હંગેરી તેના 90 ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી આયાત કરે છે પરંતુ તેના પર કોઈ ટેરિફ નથી. રશિયાના સૌથી મોટા તેલ ખરીદનાર ચીન પર રશિયન તેલની ખરીદી સંબંધિત પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી, જોકે અન્ય કારણોસર તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. શેરમેને કહ્યું, ભારત તેના ક્રૂડ ઓઇલનો ફક્ત 21 ટકા જ રશિયા પાસેથી મેળવે છે, પરંતુ અમારા સાથીને નિશાન બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ તાત્કાલિક આ નીતિ બદલવી જોઈએ.આ મહિનાની શરૂઆતમાં, અમેરિકા અને ભારતે જાહેરાત કરી હતી કે તેઓ એક વચગાળાના વેપાર કરાર પર પહોંચ્યા છે.
પુતિન માટે યુદ્ધ લડવામાં મદદ
આ સાથે, ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલા 25 ટકા દંડાત્મક ટેરિફને દૂર કરવાનો આદેશ જારી કર્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી સીધા કે પરોક્ષ રીતે તેલ આયાત કરવાનું બંધ કરવાની અને તેના બદલે અમેરિકન ઉર્જા ઉત્પાદનો ખરીદવાની ભારતની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો. આ વેપાર કરાર હેઠળ, અમેરિકા ભારત પરના ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. અમેરિકાનો આરોપ છે કે રશિયન તેલનું વેચાણ પુતિનને યુદ્ધ લડવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ Bangladeshમાં તારિક રહેમાને સત્તા સંભાળતા તુર્કીએ પગલાં લેવાનું કર્યુ શરુ, ભારત થયુ એલર્ટ
