યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત પર મોટા પાયે નવા ટેરિફ લાદવામાં આવશે અને આ નિર્ણય આગામી 24 કલાકમાં લાગુ કરી શકાય છે. ડૉનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે, ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. જે યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે. આ વાતથી અમેરિકા ચિડાયુ છે.
કહી પે નિગાહે કહી પે નિશાના
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદે છે. અમે તેના પર 25% ટેરિફ લાદ્યો હતો. પરંતુ હવે હું તેમાં ઘણો વધારો કરવા જઈ રહ્યો છું, કારણ કે તેઓ રશિયન યુદ્ધ મશીનને બળ આપી રહ્યા છે. અમે ભારત સાથે થોડો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ આપણા કરતા ઘણું વધારે કમાય છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતુ કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે અને નફા માટે વૈશ્વિક બજારમાં વેચી રહ્યું છે. તેમને કોઈ ચિંતા નથી કે યુક્રેનમાં કેટલા લોકો મરી રહ્યા છે. તેથી જ હું ભારત પર ઘણો કર વધારવા જઈ રહ્યો છું.'
વિદેશ મંત્રાલયે શું કહ્યુ ?
ભારત સરકારે ટ્રમ્પના આરોપોને રાજકીય અને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યુ છે. અને કહ્યુ છે કે, યુક્રેન યુદ્ધ પછી, જ્યારે પશ્ચિમી દેશો તેમની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતા. ત્યારે ભારત રશિયન તેલ તરફ વળ્યું. MEAએ કહ્યું, તે જ સમયે, અમેરિકાએ પોતે ભારતને રશિયન તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું જેથી વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા આવે. સરકારે અમેરિકા અને યુરોપિયન દેશોના બેવડા પાત્રનો પણ પર્દાફાશ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 2024માં, EUએ રશિયા સાથે €67.5 બિલિયનનો વેપાર કર્યો હતો. જેમાં €17.2 બિલિયનનો સેવા વેપાર પણ સામેલ હતો. EUએ રેકોર્ડ 16.5 મિલિયન ટન રશિયન LNG પણ ખરીદ્યું હતું. તે જ સમયે, અમેરિકાએ રશિયન યુરેનિયમ, પેલેડિયમ અને ખાતરોની પણ આયાત કરી છે.