વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટે 51 હજાર કરોડ રૂપિયાના શેર દાનમાં આપવા જઇ રહ્યા છે. આ મામલે તેઓએ જાહેરાત પણ કરી છે. તેમણે તેમની કંપની બર્કશાયર હેથવેનો સ્ટોક 5 ચેરિટી ફાઉન્ડેશનને દાન કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટ તેમની કંપની બર્કશાયર હેથવેના 600 મિલિયન ડોલર એટલે કે લગભગ 51 હજાર કરોડ રૂપિયાના શેર 5 ફાઉન્ડેશનને દાન કરશે.

કરોડોનું કરશે દાન

94 વર્ષીય વોરેન બફેટે જાહેરાત કરી હતી કે, તેમની કંપની બર્કશાયર હેથવેના 94.3 લાખ ક્લાસ B શેર બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવામાં આવશે. 29.2 લાખ શેર તેમની પત્ની અને તેમના બાળકોની ત્રણ સંસ્થાઓ શેરવુડ ફાઉન્ડેશન, હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશનના નામ પર બનાવેલા સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશનને દાન આપવામાં આવશે. બફેટે વર્ષ 2010માં બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ સાથે પ્રતિજ્ઞા લીધી હતી. તેનો હેતુ એ હતો કે તેમની બધી સંપત્તિ તેમના જીવનકાળ દરમિયાન અથવા તેમના મૃત્યુ પછી દાનમાં આપવામાં આવે. 2006 થી, તેઓ ગેટ્સ ફાઉન્ડેશન અને તેમના બાળકોની સંસ્થાઓને મોટા પાયે દાન આપી રહ્યા છે. બફેટના જણાવ્યાનુસાર, 5 ફાઉન્ડેશનોને બર્કશાયરના શેરના રૂપમાં લગભગ $60 બિલિયન મળ્યા છે. જે 2006માં તેમની કુલ સંપત્તિ કરતા વધુ હતા.

સૌથી મોટા રોકાણકાર અને સૌથી મોટા દાતા

આ વર્ષની શરૂઆતમાં, બફેટે જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2025ના અંત સુધીમાં બર્કશાયર હેથવેના સીઈઓ પદ પરથી રાજીનામું આપશે. તેમના લાંબા સમયથી સહયોગી ગ્રેગ એબેલ તેમના બાદ આ જવાબદારી સંભાળશે. બફેટ વિશ્વના સૌથી મોટા રોકાણકાર છે. તેમણે કહ્યું છે કે તેઓ તેમના બર્કશાયરના શેર વેચશે નહીં. પરંતુ ધીમે ધીમે તેને ચેરિટીમાં દાન કરશે. તેમની સંપત્તિમાં હવે 1,98,117 ક્લાસ A શેર અને 1144 ક્લાસ B શેર બાકી છે. જેની કિંમત લગભગ $145 બિલિયન થાય છે. તેમણે કહ્યું છે કે તેઓ તેમની બાકી રહેલી કુલ સંપત્તિના 99.5 ટકા દાન કરશે.