આંતરરાષ્ટ્રીય વેપારની દ્રષ્ટિએ મલક્કા સ્ટ્રેટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત તેના પેટ્રોલિંગમાં જોડાવા માટે ઉત્સુક છે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ સિંગાપોરના પીએમ સાથે વાતચીત કરી હતી.

સંયુક્ત નિવેદન કરાયુ જાહેર

બન્ને દેશના પીએમ વચ્ચે થયેલી બેઠક પછી એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. સિંગાપોર અને ભારત 'ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, AI, ઓટોમેશન અને માનવરહિત જહાજો'માં સંરક્ષણ ટેકનોલોજી સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા. વાતચીતમાં નક્કી થયુ હતુ કે, બંને પક્ષો દરિયાઈ સુરક્ષા વધારવા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સબમરીન બચાવ અને ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં પણ સહયોગ કરશે.

મલક્કા સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરવામાં રસ

વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમારને જણાવ્યું હતું કે, ભારત આંદામાન સમુદ્રની નજીક હોવાથી મલક્કા સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરવામાં રસ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે આ અંગે હજુ પણ વાતચીત ચાલી રહી છે. હાલમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને સિંગાપોર આ સ્ટ્રેટનું પેટ્રોલિંગ કરે છે. તેમણે કહ્યું, ભારતને આશા છે કે હાલમાં મલક્કા સ્ટ્રેટ પેટ્રોલિંગ ટીમમાં સમાવિષ્ટ દેશો અને ભારત વચ્ચે સંકલન કરવાનો માર્ગ મળશે. મલક્કા સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંનો એક છે. તે એક સાંકડો દરિયાઈ માર્ગ છે. જે હિંદ મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે. તે ઇન્ડોનેશિયન ટાપુ સુમાત્રા અને મલેશિયન દ્વીપકલ્પ વચ્ચે ફેલાયેલો છે, જે આગળ સિંગાપોર સ્ટ્રેટને મળે છે.

'મરીન સિલ્ક રૂટ'

વૈશ્વિક વેપારમાં મલક્કા સ્ટ્રેટનું મહત્વ એટલું બધું છે કે તેને 'મરીન સિલ્ક રૂટ' પણ કહેવામાં આવે છે. દર વર્ષે 90,000 થી વધુ જહાજો આ માર્ગ પરથી પસાર થાય છે. વૈશ્વિક તેલ પુરવઠાનો લગભગ 25% આ સમુદ્રી માર્ગ પરથી પસાર થાય છે. વિશ્વના દરિયાઈ વેપારનો લગભગ 40% આ માર્ગ પરથી થાય છે. મલક્કાની સામુદ્રધુની ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતના 90% થી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર દ્વારા થાય છે અને તે વેપારનો લગભગ 55-60% મલક્કાની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.