અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા એક મેયર જ ચીનના જાસૂસ હોવાનું બહાર આવ્યું છે. કેલિફોર્નિયાના આર્કેડિયા શહેરના મેયર ઈલીન વાંગ પર FBI દ્વારા ચીન માટે ગેરકાયદેસર એજન્ટ તરીકે કામ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ખુલાસાએ અમેરિકન વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવી દીધો છે.
પ્રોપેગેન્ડા અને વેબસાઈટનું જાળું
FBIની તપાસમાં જાણવા મળ્યું છે કે 58 વર્ષીય ઈલીન વાંગે વર્ષ 2020 થી 2022 દરમિયાન ચીની સરકારી અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કામ કર્યું હતું. વાંગ અને તેમના સાથીદાર યાોનિંગ "માઇક" સન દ્વારા અમેરિકામાં ચીનના હિતોને પ્રોત્સાહન આપવા માટે એક ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આ માટે તેમણે "યુએસ ન્યૂઝ સેન્ટર" નામની એક ન્યૂઝ વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. દેખાવમાં આ પ્લેટફોર્મ સ્થાનિક ચાઇનીઝ-અમેરિકન સમુદાય માટે સમાચાર આપતું હોવાનો ડોળ કરતું હતું, પરંતુ વાસ્તવમાં ત્યાં ચીની સરકાર દ્વારા મોકલવામાં આવેલા પ્રોપેગેન્ડા લેખો પ્રકાશિત કરવામાં આવતા હતા. જૂન 2021માં ચીની અધિકારીઓએ 'WeChat' દ્વારા પૂર્વ-તૈયાર લેખો મોકલ્યા હોવાના પુરાવા પણ મળ્યા છે.
ગુનાની કબૂલાત અને રાજીનામું
આરોપો ઘેરા બનતા ઈલીન વાંગે ફેડરલ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. દોષિત ઠર્યા બાદ તેમણે આર્કેડિયા સિટી કાઉન્સિલ અને મેયર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપ્યું છે. નવેમ્બર 2022માં ચૂંટાયેલા વાંગને આ ગુના બદલ મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. લોસ એન્જલસની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમની સામેની કાયદેસરની કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં છે.
અમેરિકન સુરક્ષા એજન્સીઓની ચેતવણી
યુએસ આસિસ્ટન્ટ એટર્ની જનરલ જોન આઈઝનબર્ગે આ બાબતે ઘેરી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, વિદેશી સરકારના ઇશારે કામ કરતી વ્યક્તિ જાહેર પદ સુધી પહોંચી જાય તે લોકશાહી માટે ખતરનાક છે. કેલિફોર્નિયાના ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલ ઇસાઇઆસે જણાવ્યું કે, આવી વ્યક્તિઓ ગુપ્ત રીતે કામ કરીને અમેરિકન લોકશાહીના પાયા નબળા પાડે છે. FBIના કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિભાગે આ સફળતાને ચીનના ભ્રષ્ટ પ્રભાવ સામે મોટી જીત ગણાવી છે અને અન્ય એજન્ટો માટે આને એક કડક ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.
