કેનેડાના ટોરોન્ટો શહેરમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આયોજિત ટોરોન્ટોના સૌથી મોટા લૅટિન સ્ટ્રીટ ફેસ્ટિવલમાં અચાનક થયેલા અંધાધૂંધ ગોળીબારને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે અને હુમલાખોર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
સ્થાનિકોમાં ભારે ફફડાટ
મળતી માહિતી મુજબ, આ ઘટના મિડટાઉન ટોરોન્ટોમાં આયોજિત વાર્ષિક લૅટિન સાંસ્કૃતિક ઉત્સવ 'સાલ્સા ઓન સેન્ટ ક્લેયર' (Salsa on St. Clair) દરમિયાન બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આશરે 8 વાગ્યા પછી સેન્ટ ક્લેયર એવેન્યુ વેસ્ટ અને અર્લિંગ્ટન એવેન્યુ નજીક અચાનક ગોળીઓ છૂટવા માંડી હતી. વીકેન્ડની સાંજ હોવાને કારણે તહેવારનો આનંદ માણવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર હાજર હતા. પ્રખ્યાત લૅટિન સંગીત, નૃત્ય અને સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી રહેલી ભીડ વચ્ચે અચાનક ગોળીઓનો અવાજ સંભળાતા જ લોકો પોતાની જાન બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા અને ફેસ્ટિવલનું વાતાવરણ ચીચીયારીઓમાં ફેરવાઈ ગયું હતું.
