કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં ભારતના બે યુવા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ તિરુગ્નાનસંબંધમ નામના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના મૃત્યુ થયાની પુષ્ટિ વાનકુવરમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં આવી છે.
ફ્લાઇટ તાલીમ દરમિયાન ઘટી દુર્ઘટના
આ બંને વિદ્યાર્થીઓ કેનેડામાં કોમર્શિયલ પાઇલટ લાયસન્સ માટે ફ્લાઇટ તાલીમ અને જરૂરી કલાકો પૂર્ણ કરી રહ્યા હતા. કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં કિસ્બે નજીક તાલીમ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. વિમાન સમયસર તેના ગંતવ્ય સ્થાને ન પહોંચતા શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સંયુક્ત બચાવ કેન્દ્રની ટીમે હેલિકોપ્ટર અને પેરાશૂટ ટેકનિશિયનોની મદદથી વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો, જ્યાં બંને વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ભારતીય દૂતાવાસે ઉંડો શોક વ્યક્ત કર્યો
ભારતીય દૂતાવાસે આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. દૂતાવાસ સ્થાનિક કેનેડિયન પ્રશાસન અને પીડિત પરિવારો સાથે સતત સંપર્કમાં છે. મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન રાજ્યોમાં પરત લાવવા માટે પરિવારોને તમામ જરૂરી કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
https://twitter.com/cgivancouver/status/2101740254717944183
અકસ્માતની કરાશે તપાસ
અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. કેનેડિયન મીડિયા અહેવાલો મુજબ, તાલીમ દરમિયાન બનેલી આ પ્રકારની ઘટનાઓએ ફ્લાઇટ સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ખડા કર્યા છે. આ દુખદ ઘટનાએ બંને યુવાનોના પરિવારજનો સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
આ પણ વાંચોઃ iPhone 18: સસ્તો ફોન ખરીદવા ભારતથી દુબઇ તરફ લોકોની હોડ, આટલા રૂપિયા સસ્તો પડી રહ્યો છે iPhone 18 Pro