ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ અને મજબૂત અર્થતંત્રને જોતા હવે પશ્ચિમી દેશો ભારત સાથે સંબંધો સુધારવા માટે તત્પર બન્યા છે. EU, બ્રાઝિલ અને ફ્રાન્સ સાથેની સફળ રાજદ્વારી વાટાઘાટો બાદ, આજથી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની તેમની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાતનો પ્રારંભ કરી રહ્યા છે. 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2026 સુધી ચાલનારી આ મુલાકાત બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સામાન્ય બનાવવા અને આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

મુલાકાતનો મુખ્ય એજન્ડા અને FTA

પીએમ કાર્નીની આ મુલાકાતનો સૌથી મહત્વનો પાસું મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અગાઉ સંકેત આપ્યો હતો કે સોમવારથી આ અંગેની ચર્ચાઓ વિધિવત રીતે શરૂ થઈ શકે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કેનેડા હવે ભારતમાં પોતાના માટે મોટા બજારની શોધમાં છે.

મુંબઈમાં બિઝનેસ સમિટ અને રોકાણ

પીએમ કાર્ની પોતાની મુલાકાતની શરૂઆત મુંબઈથી કરશે, જ્યાં તેઓ ભારતીય અને કેનેડિયન CEO તથા નાણાકીય નિષ્ણાતો સાથે મુલાકાત કરશે. ખાસ કરીને કેનેડિયન પેન્શન ફંડ્સ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મોટા રોકાણ માટે ઉત્સુક છે.

ભારતને થનારા મુખ્ય ફાયદા:

ઊર્જા સુરક્ષા: ભારતને પરમાણુ ઉર્જા માટે યુરેનિયમ અને ભારે ક્રૂડ ઓઈલના પુરવઠા માટે કેનેડા સાથે મહત્વના કરારો થવાની અપેક્ષા છે.

ટેકનોલોજી અને AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે સંશોધન અને નવીનતા માટે નવા દ્વાર ખુલશે.

મહત્વપૂર્ણ ખનિજો: ઇલેક્ટ્રિક વાહનો અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી એવા 'ક્રિટિકલ મિનરલ્સ' માટે કેનેડા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર બની શકે છે.

રાજદ્વારી રિસેટ: કેનેડાએ તાજેતરમાં સ્વીકાર્યું છે કે ભારત હિંસક ગુનાઓમાં સામેલ નથી, જેનાથી જૂની કડવાશ દૂર થઈ છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ફરી સ્થાપિત થશે.

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નવા ભૌગોલિક-રાજકીય સમીકરણો રચશે

2 માર્ચે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી અને માર્ક કાર્ની વચ્ચે થનારી ઉચ્ચ સ્તરીય બેઠક એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નવા ભૌગોલિક-રાજકીય સમીકરણો રચશે. આ મુલાકાત માત્ર વેપાર જ નહીં, પરંતુ કૃષિ, શિક્ષણ અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દાઓ પર પણ ભારતની સ્થિતિ મજબૂત કરશે.

આ પણ વાંચોઃ Pakistan Afghanistan conflict : પાકિસ્તાન–અફઘાનિસ્તાન તણાવ, યુદ્ધ થાય તો કોણ આગળ?