વાસ્તવિક જીવનમાં સુપરહીરો કેવા હોય છે, તેનો જવાબ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મછારની કહાની આપે છે. 28 ઓક્ટોબરે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તેમને વિશેષ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે દુનિયાની નજર તેમના માથાના પાછળના ભાગમાં દેખાતા ઘા અને ટાંકાના નિશાન પર રહી હતી. આ નિશાન માત્ર હિંસક હુમલાની યાદ નથી, પરંતુ 174 નિર્દોષ મુસાફરોના જીવ બચાવવા માટે તેમણે કરેલા સંઘર્ષની સાક્ષી છે.
34 હજાર ફૂટની ઊંચાઈએ જીવલેણ હુમલો
ઘટના દરમિયાન વિમાન 34 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. તે સમયે આરોપી સહ-પાઇલટે કેપ્ટન સ્મિત મછાર પર ફાયર એક્સ વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેમના માથાની હાડકી તૂટી અંદર ધસી ગઈ હતી. માથામાંથી લોહી વહી રહ્યું હતું અને આંખો સામે અંધારું છવાઈ ગયું હતું.

તેમના માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું
ગંભીર ઈજાને કારણે તેમના માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આવી ગંભીર ઈજામાં શરીરની કાર્યક્ષમતા ખોરવાઈ શકે છે અને કેટલાક કિસ્સામાં લકવો પણ થઈ શકે છે.
ઈજાગ્રસ્ત હોવા છતાં હિંમત ન હારી
માથામાં ગંભીર ઈજા અને અસહ્ય પીડા છતાં કેપ્ટન સ્મિત મછારે હિંમત હારી નહોતી. તેમણે હુમલાખોરને ધક્કો આપ્યો અને એક્ઝિટ બટન દબાવ્યું, જેના કારણે કોકપિટ ખુલ્યું.
174 નિર્દોષ મુસાફરોના જીવ બચ્યા
તેમની આ કાર્યવાહીથી વિમાનમાં સવાર 174 નિર્દોષ મુસાફરોના જીવ બચાવવાના સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ હતી. પોતાની જિંદગી જોખમમાં હોવા છતાં તેમણે ફરજને પ્રાથમિકતા આપી હતી.
https://x.com/TRobinsonNewEra/status/2115446179601190944?a=tDr74bJ4otzg5gBawgs&s=20
ઘાના નિશાન બહાદુરીના સાક્ષી
કેપ્ટન સ્મિત મછારના માથા પાછળ દેખાતા ટાંકાના નિશાન એ યાદ અપાવે છે કે તેમણે કઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કર્યો હતો. હુમલાખોરની હિંસાને કારણે વિમાનમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ ગંભીર ઈજા છતાં સ્મિત મછારે પોતાની જવાબદારી નિભાવી હતી. તેમની બહાદુરીએ સાબિત કર્યું કે સાચા હીરો મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યથી પાછળ હટતા નથી.
UAEના રાષ્ટ્રપતિએ ગળે લગાવી સન્માનિત કર્યા
28 ઓક્ટોબરે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને કેપ્ટન સ્મિત મછારને ગળે લગાવી સન્માનિત કર્યા હતા. એક તરફ સન્માનની ક્ષણ હતી, તો બીજી તરફ તેમના માથા પરના ઘાવના નિશાન એ સંઘર્ષની કહાની કહી રહ્યા હતા. આ સન્માન માત્ર એક પાઇલટની બહાદુરીનું સન્માન નથી, પરંતુ સંકટની ઘડીમાં હિંમત, સૂઝબૂઝ અને ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠાનું પ્રતીક પણ છે.
UAEનું વિશેષ નાગરિક સન્માન
UAE દ્વારા કેપ્ટન સ્મિત મછારને ‘ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઑફ જાયેદ ધ સેકન્ડ’ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન અગાઉ ભારતીય મૂળના માત્ર 2 લોકોને આપવામાં આવ્યું હતું. તેમાં 2016થી 2019 દરમિયાન UAEમાં ભારતના રાજદૂત રહેલા નવદીપ સિંહ સૂરી અને 2021થી 2025 દરમિયાન ભારતના રાજદૂત રહેલા સંજય સુધિરનો સમાવેશ થાય છે. બંને પૂર્વ રાજદૂતોને રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા બદલ સન્માન આપવામાં આવ્યું હતું, જ્યારે કેપ્ટન સ્મિત મછારને તેમની અસાધારણ બહાદુરી અને વીરતા માટે આ સન્માન મળ્યું છે.
આ પણ વાંચો : New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું