હવામાં સર્જાયેલી એક અતિ ભયાનક ઈમરજન્સી દરમિયાન અદમ્ય સાહસ અને શૌર્ય દાખવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકાર દ્વારા દેશના અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ 'ઓર્ડર ઓફ ઝાયેદ II' (ફર્સ્ટ ક્લાસ) થી સન્માનિત કરવામાં આવ્યા છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં, કેપ્ટન માછરે પોતાની અસાધારણ સુઝબૂઝ અને માનસિક મજબૂતીથી 174 મુસાફરો તથા ક્રૂ સભ્યોના જીવ બચાવી લીધા હતા.

રાષ્ટ્રપતિએ ગળે લગાવી સન્માનિત કર્યા

દુબઈ ખાતે યોજાયેલા એક વિશેષ અને ભવ્ય સમારોહમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છરને પ્રેમથી ગળે લગાવીને તેમની બહાદુરીની મુક્ત મને પ્રશંસા કરી હતી. આ ગૌરવશાળી પ્રસંગે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમ અને બંને અમીરાતના શાહી પરિવારના વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેપ્ટન સ્મિત પોતાના ઘાયલ હાથ પર સપોર્ટ બ્રેસ પહેરીને ક્રૂ સાથે સ્ટેજ પર આવ્યા, ત્યારે સમગ્ર હોલ આ વીર પાયલટના સન્માનમાં તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઊઠ્યો હતો.
https://x.com/monaalhmoudi/status/2115150646873915839?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115150646873915839%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ઓર્ડર ઓફ ઝાયેદ II' નું સન્માન

UAE પ્રશાસને જણાવ્યું હતું કે 'ઓર્ડર ઓફ ઝાયેદ II' એ અસાધારણ હિંમત અને સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓને અપાતું ઉચ્ચતમ નાગરિક અને લશ્કરી સન્માન છે. કટોકટીના સમયે કેપ્ટન સ્મિતે લીધેલા ઝડપી નિર્ણયોએ એવિએશન ક્ષેત્રની સર્વોચ્ચ વ્યાવસાયિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શું બની હતી સમગ્ર ઘટના?

ગત 30 સપ્ટેમ્બરના રોજ હવામાં ઉડાન દરમિયાન એક ઓમાની સહ-પાયલટે (કો-પાયલટ) મોટો વિનાશ સર્જવાના અને વધુમાં વધુ મુસાફરોના જીવ લેવાના ઈરાદાથી કોકપીટ પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ભયાનક પરિસ્થિતિમાં હુમલાનો ભોગ બનેલા કેપ્ટન સ્મિત માછરે અસહ્ય શારીરિક પીડા વચ્ચે પણ હિંમત ન હારી. તેમણે હુમલાખોર સહ-પાયલટનો સામનો કરતા કોકપીટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી કેબિન ક્રૂ અને મુસાફરો તાત્કાલિક મદદ માટે અંદર આવી શક્યા અને હુમલાખોર પર કાબુ મેળવાયો. 9 ઓક્ટોબરે UAEના એટર્ની જનરલ ડૉ. હમાદ સૈફ અલ શમ્સીએ પણ આ મામલે પુષ્ટિ કરી હતી કે કેપ્ટનની ત્વરિત કાર્યવાહીથી જ એક મોટી વિમાન દુર્ઘટના ટળી શકી હતી.

વૈશ્વિક સ્તરે ભારતનું માન વધાર્યું

કેપ્ટન સ્મિત માછરની આ અદમ્ય વીરતાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેપ્ટન સ્મિત માછર સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ પર વિશેષ મશાલ પ્રગટાવવા માટે આમંત્રિત કર્યા છે. પોતાની ફરજ પ્રત્યેનું આ સમર્પણ અને અપ્રતિમ સાહસ દર્શાવીને કેપ્ટન સ્મિતે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે.

આ પણ વાંચોઃ Astronaut Training: અંતરિક્ષ યાત્રીઓ પાણીની અંદર કેમ કરે છે ટ્રેનિંગ? જાણો મુખ્ય કારણો