આપણે જે જૂના સિમ કાર્ડ અને ઇલેક્ટ્રોનિક સામાનને નકામો સમજીને કચરામાં ફેંકી દઈએ છીએ, તે ખરેખર સોનાની ખાણ સાબિત થઈ શકે છે. ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના હુઇઝોઉ શહેરમાં રહેતા 'કિયાઓ' નામના એક વ્યક્તિએ આ વાત સાબિત કરી બતાવી છે. તેણે ફેંકી દેવાયેલા સિમ કાર્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક કચરા માંથી આશરે 191 ગ્રામ સોનું કાઢીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે, જેની બજાર કિંમત અંદાજે ₹26 લાખ થાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ પ્રક્રિયા
કિયાઓ સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય થયો છે અને તેના વીડિયોને 50 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. વીડિયોમાં તે જૂના સિમ કાર્ડ અને કમ્પ્યુટર ચિપ્સને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઓગાળતો જોવા મળે છે. તે જૂના ઈ-વેસ્ટને કેમિકલ ભરેલા ડ્રમમાં નાખે છે અને ત્યારબાદ શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા તેમાંથી કિંમતી સોનું અલગ તારવે છે.
સિમ કાર્ડમાં સોનું શા માટે હોય છે?
તકનીકી રીતે જોઈએ તો, સિમ કાર્ડ અને ઇલેક્ટ્રોનિક ચિપ્સમાં કનેક્ટિવિટી વધારવા અને કાટથી બચવા માટે સોનાના અત્યંત પાતળા પડનો ઉપયોગ કરવામાં આવે છે. કિયાઓએ જણાવ્યું કે એક-બે કાર્ડમાંથી સોનું નથી મળતું, પરંતુ તેણે લગભગ 2 ટન જેટલો ઇલેક્ટ્રોનિક ભંગાર પ્રોસેસ કર્યો હતો, જેમાં ટેલિકોમ ઉદ્યોગની હજારો ચિપ્સ અને હજારો સિમ કાર્ડ સામેલ હતા.
ઘરે પ્રયાસ કરવો જોખમી
આ અદ્ભુત સફળતા બાદ લોકો તેને 'અલ્કેમિસ્ટ' કહી રહ્યા છે. જોકે, કિયાઓએ લોકોને ચેતવણી પણ આપી છે કે આ પ્રક્રિયામાં વપરાતા રસાયણો અત્યંત ઝેરી હોય છે જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જોખમી છે. તાલીમ અને સત્તાવાર પરવાનગી વગર આવું કરવું ગેરકાનૂની અને જીવલેણ બની શકે છે. આ કામ માત્ર વૈજ્ઞાનિક રીતે જ કરવું સલાહભર્યું છે.
આ પણ વાંચોઃ Train Cancelled: રેલવે મુસાફરો માટે માઠા સમાચાર, મે-જૂન સુધી આ ટ્રેનો કેન્સલ,આ રહ્યુ લેટેસ્ટ લિસ્ટ