મધ્ય એશિયા આજે વૈશ્વિક રાજનીતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશો એક સમયે સોવિયેત સંઘ અને પછી રશિયાના મજબૂત પ્રભાવ હેઠળ હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. ચીન આ દેશોમાં ઝડપથી પોતાના પ્રોજેક્ટ્સ અને રોકાણો વધારી રહ્યું છે, ખાસ કરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ દ્વારા આ ચાર દેશોમાં નવા અને આધુનિક શહેરો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કિર્ગિસ્તાનમાં “આસ્માન”, કઝાકિસ્તાનમાં “અલાતાઉ”, ઉઝબેકિસ્તાનમાં “ન્યૂ તાશ્કંદ” અને તુર્કમેનિસ્તાનમાં “અરકાદાગ” જેવા પ્રોજેક્ટ્સ વિકસિત થઈ રહ્યા છે. દરેક શહેર શરૂઆતમાં લગભગ 2.5 લાખ લોકો માટે બનાવવામાં આવી રહ્યું છે. સરકારોનો દાવો છે કે આ શહેરો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.
સ્માર્ટ સિટીનો અર્થ શું?
સ્માર્ટ સિટીમાં જો વાત કરીએ તો ડિજિટલ ટેકનોલોજી, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન એનર્જી, આધુનિક હોસ્પિટલ, શિક્ષણ સુવિધાઓ અને ઝડપી ઈન્ટરનેટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. મધ્ય એશિયાની વસ્તી ઝડપથી વધી રહી છે અને 2050 સુધીમાં આ વિસ્તારની વસ્તી 110 મિલિયનથી વધુ થઈ શકે છે. સોવિયેત યુગના જૂના માળખાં હવે આ વધતી જરૂરિયાતોને પૂરી કરી શકતા નથી. તેથી નવી પેઢીના શહેરો વિકસાવવામાં આવી રહ્યા છે.
ચીનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ
આ પ્રોજેક્ટ્સમાં ચીનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કઝાકિસ્તાનના અલાતાઉ પ્રોજેક્ટમાં ચીનની મોટી સરકારી બાંધકામ કંપની જોડાયેલી છે. ઉઝબેકિસ્તાનમાં ન્યૂ તાશ્કંદ પ્રોજેક્ટ હેઠળ ચીની કંપનીએ ઓલિમ્પિક સ્ટેડિયમ પણ બનાવ્યું છે. કિર્ગિસ્તાનમાં ચીની રોકાણકારો સાથે મોટા કરારો થયા છે. તુર્કમેનિસ્તાન પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સ્માર્ટ ટેકનોલોજી માટે ચીન સાથે ચર્ચા કરી રહ્યું છે. તેની સામે રશિયાની હાજરી ઓછી દેખાઈ રહી છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયાની આર્થિક સ્થિતિ પર અસર પડી છે, જેના કારણે તેના વિદેશી રોકાણોમાં ઘટાડો થયો છે. પરિણામે મધ્ય એશિયાના દેશો હવે નવા ભાગીદારો તરફ વળી રહ્યા છે.
મધ્ય એશિયા ફક્ત સ્માર્ટ સિટી
મધ્ય એશિયા ફક્ત સ્માર્ટ સિટી માટે જ નહીં પરંતુ તેની ખનિજ સંપત્તિ માટે પણ મહત્વપૂર્ણ છે. અહીં મેંગેનીઝ, ક્રોમિયમ, યુરેનિયમ અને અન્ય કિંમતી ખનિજોના મોટા ભંડાર છે. આ કારણે અમેરિકા પણ આ વિસ્તારમાં પોતાની હાજરી વધારી રહ્યું છે.
વૈશ્વિક શક્તિઓ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક
આ સમગ્ર પરિસ્થિતિ બતાવે છે કે મધ્ય એશિયા હવે વૈશ્વિક શક્તિઓ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર બની ગયું છે. ચીન ટેકનોલોજી અને રોકાણ દ્વારા પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે, જ્યારે રશિયા પોતાની જૂની પોઝિશન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આગામી વર્ષોમાં આ વિસ્તારમાં સત્તાનું સંતુલન વધુ બદલાઈ શકે છે.
આ પણ વાંચો : Space Debris : 2030 સુધી ફ્લાઇટ વિલંબ વધશે? અવકાશ કાટમાળથી ઊભો નવો ખતરો