વૈશ્વિક સ્તરે હોર્મુઝ સામુદ્રધુની અને લાલ સમુદ્રમાં ચાલી રહેલા તણાવ તેમજ કટોકટી વચ્ચે ચીને યુરોપમાં માલ પરિવહન માટે એક નવો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો છે, જેને 'આઇસ સિલ્ક રોડ'નામ આપવામાં આવ્યું છે. આ માર્ગ રશિયાના ઉત્તરી કિનારામાંથી પસાર થઈને આર્કટિક મહાસાગર દ્વારા સીધો યુરોપ પહોંચે છે, જેની લંબાઈ આશરે 3,400 માઇલ એટલે કે આશરે 5,500 કિલોમીટર છે.

નવો માર્ગ પરિવહન માત્ર 20 દિવસમાં જ 

ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ, ચીની કન્ટેનર શિપિંગ કંપની 'સી લિજેન્ડ' દ્વારા આ નવા માર્ગ પર પોતાની પ્રથમ નિયમિત સાપ્તાહિક સેવા શરૂ કરવામાં આવી હતી. આ માર્ગ હેઠળ જહાજો ચીનના નિંગબો-ઝૌશાન બંદરથી રવાના થઈને યુકેના ફેલિક્સસ્ટો બંદર સુધી મુસાફરી કરે છે. પરંપરાગત સુએઝ નહેરના માર્ગમાં જ્યાં લગભગ 40 દિવસનો સમય લાગે છે, ત્યાં આ ઉત્તરીય માર્ગ દ્વારા સફર માત્ર 20 દિવસમાં જ પૂર્ણ થઈ શકે છે. આમ, આ નવો માર્ગ પરિવહનનો સમય અડધો ઘટાડી દે છે.

આ માર્ગની જરૂરિયાત કેમ ઊભી થઈ?

ફેબ્રુઆરીમાં ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી શિપિંગ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. આ ઉપરાંત, લાલ સમુદ્ર સુધી પહોંચવાના માર્ગે બાબ-અલ-મંડેબ સામુદ્રધુનીમાં હુતી વિદ્રોહીઓના હુમલાના ભયને કારણે વેપારી જહાજો માટે સુરક્ષિત મુસાફરી મુશ્કેલ બની ગઈ હતી. વૈકલ્પિક અને લાંબા માર્ગો અપનાવવાથી જહાજોનું બળતણ, મુસાફરીનો સમય અને વીમા ખર્ચ અતિશય વધી ગયો હતો, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇન પર ભારણ વધ્યું હતું. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા ચીને આર્કટિક રૂટનો સહારો લીધો છે.

આબોહવા પરિવર્તન અને રશિયા પર નિર્ભરતા

આર્કટિક ક્ષેત્રમાં વધી રહેલા તાપમાનને કારણે દરિયાઈ બરફ ઝડપથી પીગળી રહ્યો છે, જેના કારણે નોર્થ સી રૂટ (NSR) નો ઉપયોગ વર્ષના વધુ સમય માટે શક્ય બન્યો છે. જો કે, આ માર્ગ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી. આ માર્ગ મુખ્યત્વે રશિયાના નિયંત્રણ હેઠળ છે અને રશિયન સરકારી કંપની 'રોસાટોમ' આ માર્ગ માટે પરમિટ આપવા સાથે આઇસબ્રેકર્સ પૂરા પાડે છે, જેથી ચીનને રશિયા પર આધાર રાખવો પડે છે.

ઉપરાંત, જાડા બરફ, અનિશ્ચિત હવામાન, ઊંચા ખર્ચ અને પર્યાવરણીય જોખમોને કારણે આ માર્ગ હજુ સુધી સુએઝ નહેરનો સંપૂર્ણ વિકલ્પ બન્યો નથી. વર્ષ 2024માં માત્ર 15 અને 2025માં 23 જહાજોએ જ આ માર્ગનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં, ભવિષ્યના વેપાર માટે આ એક મહત્વપૂર્ણ વૈકલ્પિક કડી સાબિત થઈ રહી છે.

આ પણ વાંચોઃ Telangana: સૂર્યાપેટમાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 6 લોકોના મોત