તાજેતરમાં અમેરિકાએ ગંભીર દાવો કર્યો છે કે 2020માં લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણ પછી ચીને ગુપ્ત રીતે પરમાણુ વિસ્ફોટક પરીક્ષણ કર્યું હતું. આ દાવો અમેરિકાના Arms Control અને International Security માટેના અંડર સેક્રેટરી થોમસ જી. ડીનાનોએ જિનીવામાં યોજાયેલા નિશસ્ત્રીકરણ પરિષદ દરમિયાન કર્યો હતો. અમેરિકાના જણાવ્યા મુજબ 22 જૂન, 2020ના રોજ ચીને “યીલ્ડ-પ્રોડ્યુસિંગ” એટલે કે નક્કી શક્તિ ધરાવતું પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જે ગાલવાન અથડામણ પછી માત્ર થોડા દિવસોમાં થયું હોવાનું કહેવાય છે.
“ડીકપલિંગ” પદ્ધતિ શું છે?
અમેરિકી અધિકારીએ દાવો કર્યો કે ચીને આ પરીક્ષણોને દુનિયાથી છુપાવવા માટે “ડીકપલિંગ” નામની ટેકનિકનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિનો હેતુ ભૂકંપીય (seismic) દેખરેખની અસરકારકતા ઘટાડવાનો હોય છે જેથી વિસ્ફોટના સંકેતો સહેલાઈથી પકડાઈ ન શકે. અમેરિકા કહે છે કે ચીને સૈન્ય સ્તરે એવા પરીક્ષણોની તૈયારી કરી હતી જેમાં સેકડો ટન જેટલી નિશ્ચિત શક્તિનો વિસ્ફોટ થાય.
ચીનનો પ્રતિસાદ શું?
ચીનએ આ આરોપોને નકારી કાઢ્યા છે. ચીનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે બેઇજિંગ પરમાણુ મુદ્દે જવાબદારીપૂર્વક વર્તે છે અને અમેરિકાના આ આરોપોને “ખોટી વાર્તા” ગણાવી છે. આ ઉપરાંત કેટલાક આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ તંત્રોએ પણ કહ્યું કે તે સમયે પરમાણુ વિસ્ફોટ જેવી કોઈ ઘટના નોંધાઈ હોવાના પુરાવા મળ્યા નથી.
ગાલવાન અથડામણ સાથે સંબંધ
ગાલવાન ખીણમાં જૂન 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જે છેલ્લા દાયકાઓમાં સૌથી ગંભીર સરહદી ટકરાવ માનવામાં આવે છે. અમેરિકાના દાવા મુજબ આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી આ પરીક્ષણ થયું હોવાનું કહેવામાં આવે છે.
ન્યૂ START સંધિ અને વૈશ્વિક ચિંતા
આ દાવા એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચેની 2010ની New START પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સંધિનો પ્રભાવ ઘટી રહ્યો છે. અમેરિકા હવે ચીનને પણ સમાવેશ કરતી નવી વૈશ્વિક પરમાણુ નિયંત્રણ વ્યવસ્થા બનાવવાની જરૂરિયાત જણાવી રહ્યું છે, કારણ કે ચીન પોતાના પરમાણુ શસ્ત્રાગારનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. વિશેષજ્ઞો ચેતવણી આપે છે કે જો મોટા દેશો વચ્ચે નિયંત્રણ સંધિઓ નબળી પડે તો વિશ્વમાં નવા પરમાણુ હથિયાર દોડ (arms race) નો ખતરો વધી શકે છે.
હકીકત શું છે?
હાલ સ્થિતિ એવી છે કે અમેરિકા દ્વારા ગંભીર આરોપ મૂકાયો છે, પરંતુ ચીન તેને નકારી રહ્યું છે અને કેટલાક મોનિટરિંગ સંસ્થાઓએ પણ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી એવું જણાવ્યું છે. એટલે આ મુદ્દો હજુ તપાસ અને રાજદ્વારી ચર્ચાનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો :