વૈશ્વિક રાજકારણના બે સૌથી શક્તિશાળી નેતાઓ - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ચીન પ્રવાસે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પના ચીન પ્રવાસના બરાબર 7 દિવસ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બીજિંગ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર બંને નેતાઓના સ્વાગતમાં એક મોટો રાજદ્વારી (Diplomatic) તફાવત જોવા મળ્યો. આ તફાવત બાદ હવે વોશિંગ્ટનથી લઈને મોસ્કો સુધી એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ચીને આખરે કોને વધારે મહત્વ આપ્યું?

1. પોલિત બ્યુરો પાવર ગેમ

સ્વતંત્ર પત્રકાર બ્રાયન મેકડોનાલ્ડના જણાવ્યા અનુસાર, પુતિનનું સ્વાગત કરવા માટે ચીનના વિદેશ મંત્રી વાંગ યી પોતે એરપોર્ટ પર હાજર રહ્યા હતા, જેઓ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની શક્તિશાળી 'પોલિત બ્યુરો'ના વર્તમાન સભ્ય છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ચીને ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મોકલ્યા હતા. હાન ઝેંગ હવે ન તો પોલિત બ્યુરોના સભ્ય છે અને ન તો કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિનો હિસ્સો છે.

2. પદ મોટું કે પાવર?

ચીનની રાજકીય વ્યવસ્થામાં ઉપરાષ્ટ્રપતિનું પદ પ્રોટોકોલની દ્રષ્ટિએ ભલે મોટું દેખાતું હોય, પરંતુ વાસ્તવિક કૂટનીતિક પાવર વિદેશ મંત્રી પાસે હોય છે. શિ જિનપિંગે 2023માં વાંગ યીને વિદેશ મંત્રી બનાવ્યા હતા. ચીનમાં નેતાનું કદ પોલિત બ્યુરોના આધારે નક્કી થાય છે. નિષ્ણાતોના મતે, પોલિત બ્યુરોના સભ્યને એરપોર્ટ પર મોકલવાનો સ્પષ્ટ અર્થ એ છે કે બીજિંગ પુતિનને પોતાના અતિ મહત્વના (VVIP) મહેમાન માને છે.

3. માત્ર દેખાવ કે વાસ્તવિક ડીલ?

આ વિવાદ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, ટ્રમ્પ અને પુતિનની મુલાકાતોના પ્રોટોકોલની તુલના કરવાનો કોઈ અર્થ નથી. ખરી મહત્વની બાબત ઔપચારિક દેખાવ નહીં, પણ બંને દેશો વચ્ચેની વાતચીતનો વિષય છે. નોંધનીય છે કે પુતિન આ પ્રવાસ દરમિયાન ચીન સાથે રેલ લિંક સહિત કુલ 40 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવાના છે.

જ્યાં એકતરફ ટ્રમ્પને જિનપિંગે ગાર્ડ ઓફ ઓનર અને ગાર્ડનની મુલાકાત કરાવી હતી, ત્યાં જ પુતિન સાથેની બેઠકમાં જિનપિંગે વૈશ્વિક સ્તરે 'જંગલરાજ'નો ઉલ્લેખ કરીને મિડલ ઈસ્ટ મુદ્દે લાલ રેખા ખેંચી દીધી છે.

આ પણ વાંચો:PM Modi In Italy: મેલોની માટે Melody! PM Modiએ આપી ગિફ્ટ, જુઓ Video