Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બુધવારે અમેરિકા જવા રવાના થયા છે, જ્યાં ગુરુવારે તેમની મુલાકાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે. બંને નેતાઓ વચ્ચેની આ બહુપ્રતીક્ષિત મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશો વધુ સક્ષમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમને લઈને વધતી ચિંતાઓનો સામનો કરી રહ્યા છે અને બંને પક્ષ વેપારને લઈને તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શી જિનપિંગ પોતાના "ખાસ વિમાન"થી બેઇજિંગથી વોશિંગ્ટન માટે રવાના થયા છે. સરકારી બ્રોડકાસ્ટર CCTV અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ સાથે તેમની પત્ની પેંગ લિયુઆન, તેમના નજીકના સહયોગી કાઈ કી અને વિદેશ મંત્રી વાંગ યી સહિત ઘણા લોકો અમેરિકા જવા માટેના વિમાનમાં સવાર થયા છે.
અમેરિકામાં શી જિનપિંગનું ટ્રમ્પ કરશે સ્વાગત
વ્હાઇટ હાઉસ અનુસાર, ગુરુવારે યોજાનારી ઔપચારિક વાતચીત પહેલાં ટ્રમ્પ પોતે જોઈન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કરશે. શી જિનપિંગ અને તેમની પત્ની વ્હાઇટ હાઉસમાં સ્વાગત સમારોહમાં સામેલ થશે, જેમાં મિલિટરી ફ્લાયઓવર પણ યોજાશે. આ પછી ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વાતચીત થશે. ત્યારબાદ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ માટે સ્ટેટ ડિનર એટલે કે સત્તાવાર ભોજનનું આયોજન કરશે. શી જિનપિંગનો અમેરિકા પ્રવાસ શુક્રવારે પૂર્ણ થશે. આ દિવસે બંને દેશોના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીઓ વ્હાઇટ હાઉસમાં ચા પર મુલાકાત કરશે અને નેશનલ આર્કાઇવ્સની મુલાકાત લેશે.
ટ્રમ્પ-શી જિનપિંગની મુલાકાત કેમ ખાસ?
ટ્રમ્પ અને શી જિનપિંગ સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ શી સાથે "લગભગ દરેક બાબત પર ચર્ચા" કરશે. માહિતી અનુસાર, બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ઘણા વિવાદિત મુદ્દાઓ પણ સામેલ થવાની આશા છે. તેમાં અમેરિકા-ચીનના વેપાર સંબંધો, તાઇવાનને લઈને તણાવ અને ઈરાન પ્રત્યે વોશિંગ્ટનની નીતિનો સમાવેશ થાય છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકન ટેરિફની અસરને લઈને વાતચીત કરી રહી છે, જ્યારે તાઇવાનને લઈને બેઇજિંગનું વલણ બંને દેશો વચ્ચે અસંમતિનો મોટો મુદ્દો છે. ચીન વાતચીતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે રેર અર્થ અને અન્ય જરૂરી ખનિજો પરના પોતાના નિયંત્રણનો ઉપયોગ પણ કરી શકે છે. બેઇજિંગે અગાઉ પણ આ વસ્તુઓની નિકાસ પર કડક નિયમો લાગુ કર્યા છે. આ ખનિજો ઘણી હાઈ-ટેક ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: અમેરિકા માટે ચીનની અનિવાર્યતા કેમ જરુરી, જાણો શુ છે તેની પાછળનું ગણિત?