વર્ષ 2020માં ગાલેવાન ખીણ ખાતે સર્જાયેલી હિંસક અથડામણ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. નવી દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે તેઓ 12 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગાલેવાન સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને દ્વિપક્ષીય સંબંધો અત્યંત નીચલા સ્તરે પહોંચી ગયા હતા, ત્યારે આ પ્રસ્તાવિત મુલાકાત સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલા લશ્કરી અવરોધને ઉકેલવા અને સંબંધોને સામાન્ય બનાવવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

છ વર્ષના લાંબા અંતરાલ બાદ શી જિનપિંગ ભારત આવશે

શી જિનપિંગ અગાઉ વર્ષ 2019ના ઓક્ટોબર મહિનામાં ભારત આવ્યા હતા, અને આ મુલાકાત લગભગ છ વર્ષના લાંબા અંતરાલ પછી થવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત યાત્રાને સફળ બનાવવા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે મંત્રણાઓ વેગવંતી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન વચ્ચે સરહદી બાબતો પર 'કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન' (WMCC) ની બેઠક ટૂંક સમયમાં જ મળવાની છે, ત્યારબાદ બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે પણ મહત્વની ચર્ચાઓ થશે. એટલું જ નહીં, સંબંધોમાં બરફ ઓગાળવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ ટૂંક સમયમાં ચીનની સત્તાવાર મુલાકાતે જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ભારત-ચીન સંબંધો પર દરેકની નજર

વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં આ બેઠકનું મહત્ત્વ વધુ વધી જાય છે, કારણ કે બંને દેશો હાલમાં અનેક વૈશ્વિક આર્થિક અને રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવાયેલા ટેરિફના નિર્ણયો અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે એશિયાની આ બે મહાસત્તાઓનું નજીક આવવું વૈશ્વિક સ્તરે મોટો પ્રભાવ પાડી શકે છે. બ્રિક્સ સમિટ દરમિયાન જો શી જિનપિંગ અને ભારતીય નેતૃત્વ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય છે, તો તેમાં સરહદ વિવાદ, પ્રાદેશિક સુરક્ષા, વેપાર અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા થવાની અપેક્ષા છે. આ મુલાકાત ભારત-ચીન સંબંધોની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેના પર સમગ્ર વિશ્વની ખાસ નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેશનર્સની બલ્લે બલ્લે! 8માં પગાર પંચની પ્રક્રિયા ઝડપી બની