પાકિસ્તાનના મુરીદકે વિસ્તારમાં રવિવારે તહરીક એ લબ્બૈક પાકિસ્તાનના પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ. આ અથડામણ એવા સમયે થઇ જ્યારે TLP ના અનેક સમર્થકો ગાઝાના સમર્થનમાં ઇસ્લામાબાદ તરફ કૂચ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓનું લક્ષ્ય અમેરિકી દૂતાવાસ બહાર પ્રદર્શન કરવાનું હતું. પાકિસ્તાનનુ મુરીદકે આતંકવાદી હાફીઝ સઇદનું ગઢ મનાય છે. અહીં જ હાફીઝની આતંકી મદરેસા છે.
પોલીસ અને TLP સમર્થકો વચ્ચે ઘર્ષણ
સૂત્રો અનુસાર જેવો TLP નો કાફલો મુરીદકે પહોંચ્યો, પોલીસ અને રેન્જર્સએ રસ્તો રોકવાની કોશિશ કરી જેનાથી સ્થિતિ બેકાબૂ થઇ ગઇ. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કર્યો. ઘણા પ્રદર્શનકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરીને અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડીને બદલો લીધો. અથડામણો બાદ, વહીવટીતંત્રે ઇસ્લામાબાદ અને લાહોર વચ્ચેના ઘણા માર્ગો બંધ કરી દીધા છે. રાજધાનીમાં એલર્ટ અપાયુ છે. ઇન્ટરનેટ સેવાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. ગાઝાના સમર્થનમાં આ કૂચ હવે પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષા સંકટનું કેન્દ્ર બની ગઈ છે.













