અમેરિકામાં H-1B અને PERM વિઝા કાર્યક્રમોમાં થઈ રહેલી કથિત છેતરપિંડીની તપાસે ટેક ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે. યુએસ વહીવટીતંત્ર દ્વારા રચવામાં આવેલી 'ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેશન ફ્રોડ' હેઠળ શરૂ થયેલી આ તપાસમાં કોગ્નિઝન્ટ જેવી દિગ્ગજ IT કંપનીઓનું નામ સામે આવતા ભારતીય ટેક વ્યાવસાયિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, કોગ્નિઝન્ટ સામે હજુ સુધી કોઈ ઔપચારિક આરોપ સાબિત થયા નથી અને તપાસ પ્રારંભિક તબક્કે છે, તેમ છતાં આ ઘટનાક્રમ ભારતીય આઈટી સેક્ટર માટે એક ગંભીર ચેતવણી સમાન છે.

તપાસની સીધી અસર આઇટી ક્ષેત્ર પર પડવાની શક્યતા

યુએસ લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના મતે, તપાસ મુખ્યત્વે વિઝા અરજીઓમાં છેતરપિંડી, કર્મચારીઓના વેતનમાં કપાત અને વિદેશી કામદારોના શોષણ જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે આ બાબત ખૂબ મહત્વની છે, કારણ કે અમેરિકાના H-1B વિઝા લાભાર્થીઓમાં ૭૦ ટકાથી વધુ ભારતીય નાગરિકો હોય છે. કોગ્નિઝન્ટ જેવી મોટી કંપનીઓ ભારતીય ટેકનિકલ પ્રતિભાઓ માટે સ્પોન્સરશિપનું મુખ્ય માધ્યમ હોવાથી, આ તપાસની સીધી અસર ભારતીય આઈટી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે.

વધુ સાવચેતી અને કડક વલણ 

આ તપાસના કારણે ભવિષ્યમાં ઘણી મહત્વપૂર્ણ અસરો જોવા મળી શકે છે. પ્રથમ, કંપનીઓ H-1B વિઝા સ્પોન્સર કરવામાં વધુ સાવચેતી અને કડક વલણ અપનાવી શકે છે, જેનાથી અમેરિકામાં નવી તકો મર્યાદિત થઈ શકે છે. બીજું, જો યુએસમાં કામદારોની ભરતી જટિલ બનશે, તો કંપનીઓ ભારતમાંથી જ 'રિમોટ' અથવા 'ઓફશોર' મોડેલ દ્વારા કામ કરાવવાની રણનીતિ પર વધુ ભાર મૂકી શકે છે. ત્રીજું, નિયમનકારી તપાસને કારણે હવે માત્ર ઉચ્ચ-કુશળ અને વધુ પગાર ધરાવતી પ્રોફાઇલ્સને જ H-1B વિઝા મળવાની સંભાવના વધી જશે.

IT કંપનીઓએ વિઝા પ્રક્રિયામાં લાવવી પડશે વધુ પારદર્શિતા

નિષ્ણાતો માને છે કે, આ પરિસ્થિતિમાં ભારતીય IT કંપનીઓએ તેમની વિઝા પ્રક્રિયાઓ અને ભરતીના નિયમોમાં વધુ પારદર્શિતા લાવવી પડશે. અમેરિકી સરકારની આ કડકાઈ સૂચવે છે કે ભવિષ્યમાં વિઝા મેળવવા માટેની યોગ્યતાના ધોરણો વધુ કડક બનશે. તપાસના પરિણામો અને અમેરિકાના આ વલણ પર આગામી સમયમાં ભારતીય આઈટી કંપનીઓની વ્યૂહરચનાનો મોટો આધાર રહેશે. ભારતીય વ્યાવસાયિકો માટે હવે પોતાની કુશળતાને સતત અપગ્રેડ કરવી અને વૈશ્વિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે, જેથી તેઓ આ બદલાતી વૈશ્વિક સ્થિતિમાં પોતાની કારકિર્દી સુરક્ષિત રાખી શકે.

આ પણ વાંચોઃ Australian પીએમ અલ્બેનીઝે પીએમ મોદી સાથે લીધી સેલ્ફી, આર્થિક સંબંધોની ગાઢ દોસ્તી