રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યુ છે કે, ભારત સરકાર કે તેના કોઈપણ અધિકારીની આ હત્યામાં સંડોવણી નથી.

પોલીસે શુ કરી સ્પષ્ટતા ? 

2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક નિવેદનમાં, કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું છે કે, નિજ્જર હત્યા કેસમાં ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આ હત્યામાં ભારત સરકાર કે તેના કોઈપણ અધિકારીનો કોઈ હાથ નથી.

RCMP ડેપ્યુટી કમિશનરનું નિવેદન

હકીકતમાં, 2023 માં, તત્કાલીન કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે આ હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેમના નિવેદનથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને કેનેડાને પુરાવા આપવા કહ્યું. RCMP ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે જણાવ્યું હતું કે, નિજ્જર હત્યા કેસની તપાસમાં ભારત સરકાર અથવા ભારતીય અધિકારીઓને આ કેસ સાથે જોડતા કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે, તપાસ હેઠળના સંગઠિત ગુના નેટવર્કમાં ભારતીય સરકારી અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા બહાર આવ્યા નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે નિજ્જર હત્યાની અલગ તપાસ હજુ પણ ચાલુ છે, તેથી વિગતવાર ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.

બિશ્નોઈ અને બ્રાર સામે આરોપો

લિસા મોરલેન્ડનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે નિજ્જરની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે આરોપો દાખલ કર્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં દાખલ કરાયેલા ફેડરલ આરોપનામા મુજબ, બિશ્નોઈ અને બ્રારે 18 જૂન, 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળીબાર અને હત્યાનો આદેશ આપ્યો હતો.

જેલમાંથી કાર્યવાહી હાથ ધરવામાં આવી

આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં, દાણચોરી કરીને લાવેલા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને સમગ્ર કામગીરીનું નિયંત્રણ કરી રહ્યો હતો. તેણે હત્યાને અંજામ આપવા માટે નિજ્જરના ફોટોગ્રાફ અને તેના ઘણા સરનામાં પણ એક સહ-કાવતરાખોરને પૂરા પાડ્યા હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન હાર્ડબોલે નિજ્જરની હત્યામાં લોરેન્સ બિશ્નોઈની સંડોવણી સ્થાપિત કરી હતી.

આ પણ વાંચોઃ  AI ટેકનોલોજી લીક પર ચીનની કંપનીઓને કડક ચેતવણી, જાણો શુ છે હેતુ?