ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તાજેતરના 12 દિવસના યુદ્ધમાં, ઘણા ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી કમાન્ડરો માર્યા ગયા હતા. ઈઝરાયલે ઈરાનમાં તેના જાસૂસો તૈનાત કર્યા હતા. જે યુદ્ધ દરમિયાન ઈરાનની સંરક્ષણ પ્રણાલીને નબળી પાડવામાં મહત્વપૂર્ણ કારણ બન્યું હતુ. આ કામગીરીનો શ્રેય મોસાદને આપવામાં આવી રહ્યો છે. જેણે ઈરાનના સુરક્ષા માળખામાં ઊંડાણપૂર્વક પ્રવેશ કર્યો હોવાનું કહેવાય છે.
ઈઝરાયલ સાથે સહયોગ અને જાસૂસીના આરોપ
ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ ઈરાનમાં કેટલી હદે ઘૂસી ગઈ છે તે બંને દેશો વચ્ચેના 12 દિવસના યુદ્ધથી જાણી શકાયું હતું. કારણ કે આ ઘૂસણખોરીને કારણે, ઈઝરાયલ ઈરાનમાં ખૂબ અંદર સુધી હુમલો કરવામાં સફળ રહ્યું હતું. ઈરાને મોસાદ માટે કામ કરવાના આરોપમાં એક વ્યક્તિને ફાંસી આપી છે. યુદ્ધ સમાપ્ત થયા પછી, ઈરાનમાં ઘણા લોકોને ઈઝરાયલ સાથે સહયોગ અને જાસૂસીના આરોપમાં ફાંસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં, મોસાદ માટે જાસૂસીના આરોપમાં રૂઝબેહ વાદી નામના વ્યક્તિને ઈરાનમાં ફાંસી આપવામાં આવી છે. વર્ષ 2011માં, ત્રણ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો અબ્દુલહમીદ મિનોચેહર, અહમદરેઝા ઝોલ્ફાઘરી દારિયાની અને રૂઝબેહ વાદીએ 18મી ઈરાની પરમાણુ ઉર્જા પરિષદમાં સંયુક્ત સંશોધન પત્ર રજૂ કર્યો હતો.
ઈરાનના પરમાણુ સ્થળ વિશે માહિતી
13 જૂનની સવારે, ઈરાન પર હુમલાના પહેલા જ કલાકોમાં, ઈઝરાયલે મિનોચેહર અને ઝોલ્ફાઘરીને મારી નાખ્યા હતા. 7 અઠવાડિયા પછી 5 ઓગસ્ટની સવારે મોસાદ માટે જાસૂસીના આરોપસર રૂઝબેહ વાદીને ફાંસી આપવામાં આવી હતી. ફાંસીની જાહેરાત પછી, રૂઝબેહવાદી ઈરાની ટીવી કાર્યક્રમમાં એક વીડિયોમાં પોતાનો ગુનો કબૂલ કરતો પણ જોવા મળ્યો હતો. વીડિયોમાં, તેણે સ્વીકાર્યું કે તેણે યુદ્ધમાં ઇઝરાયલ દ્વારા નિશાન બનાવવામાં આવેલા પરમાણુ કેન્દ્ર સંબંધિત માહિતી મોસાદને આપી હતી, અને એક ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક સાથે સંબંધિત માહિતી પણ શેર કરી હતી. ઈરાની ન્યાયતંત્રનો દાવો છે કે રૂઝબેહવાદીએ વર્ચ્યુઅલ સોશિયલ નેટવર્ક દ્વારા મોસાદનો સંપર્ક કર્યો હતો. આ પછી, તે તાલીમ અભ્યાસક્રમના બહાને વિયેના ગયો હતો, જ્યાં તે પાંચ વખત મોસાદના અધિકારીઓને મળ્યો હતો. જોકે, ન્યાયતંત્રનું નિવેદન ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપતું નથી.