14 નવેમ્બરના રોજ એક મુસાફરે સીટબેલ્ટ બાંધીને તેનું ગળું દબાવી દીધું અને પોતાની કારથી તેને કચડી નાખ્યો હતો.
યુસુફનું ગળુ દબાવી હત્યા
અમેરિકામાં ઉબેર ડ્રાઈવર સાથે જોડાયેલી એક ભયાનક ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મિનિયાપોલિસ નજીક એક મુસાફરે કથિત રીતે 51 વર્ષીય સોમાલી-અમેરિકન ડ્રાઈવર મોહમ્મદ યુસુફનું સીટબેલ્ટ બાંધીને ગળું દબાવી દીધું હતુ. પછી તેને પોતાની કારથી કચડી નાખ્યો હતો. જેના કારણે તે રસ્તાની બાજુમાં ખાડામાં પડી ગયો. 14 નવેમ્બરના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુસુફે આખરે શનિવારે સવારે હોસ્પિટલમાં મોત થયુ હતુ.
શુ હતી ઘટના ?
કોર્ટના દસ્તાવેજો અનુસાર, 14 નવેમ્બરના રોજ, મોહમ્મદ યુસુફ તેના ભાઈ, જે ઉબેર ડ્રાઇવર પણ હતો, સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. યુસુફે એક મુસાફરને ઉપાડ્યો. ફોન પર રહેલા તેના ભાઈએ મુસાફરને કહેતા સાંભળ્યા હતા કે તેને "મોહમ્મદ" નામ ગમતું નથી. થોડા સમય પછી, ફોન પર યુસુફની ચીસો સંભળાઈ. કોર્ટના દસ્તાવેજો અનુસાર, યુસુફ સોમાલી ભાષામાં ચીસો પાડી રહ્યો હતો, દાવો કરી રહ્યો હતો કે મુસાફર તેને બેલ્ટથી ગળું દબાવી રહ્યો છે અને વાહનથી કચડી રહ્યો છે. એવો આરોપ છે કે હુમલાખોરે તેને પોતાની કારથી ઢસડીને રસ્તાની બાજુમાં ખાડામાં છોડી દીધો હતો. હુમલામાં યુસુફને જીવલેણ ઇજાઓ થઈ હતી. તેને સારવાર માટે હેનેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પરિવારના જણાવ્યા અનુસાર, તેની હાલત ગંભીર હતી અને તેના પર પાંચ સર્જરી કરવામાં આવી હતી. લગભગ બે અઠવાડિયા સુધી જીવન માટે લડ્યા બાદ શનિવારે સવારે તેનું મૃત્યુ થયું હતુ.
ઘટનાનું સૌથી સંવેદનશીલ પાસું
આ ઘટનાનું સૌથી સંવેદનશીલ પાસું આરોપી દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણી છે. કોર્ટના દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસાફરે યુસુફને કહ્યું હતું કે તેને મોહમ્મદ નામ ગમતું નથી. આ ખુલાસાએ ધાર્મિક અને વંશીય દ્વેષ અંગે ચિંતા ઉભી કરી છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી નક્કી કર્યું નથી કે હુમલો ધાર્મિક પૂર્વગ્રહથી પ્રેરિત હતો કે નહીં. હેનેપિન કાઉન્ટીના એટર્ની મેરી મોરિયાર્ટી કહે છે કે હાલમાં આ ઘટનાને નફરતનો ગુનો સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. તેથી, આ હુમલાની તપાસ ધાર્મિક કે વંશીય દ્વેષથી પ્રેરિત ગુના તરીકે કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ રક્ષા માટે પાકિસ્તાની સેનાની પ્રથમ ટુકડી સાઉદી રવાના, મધ્ય પૂર્વમાં ગરમાવો
