મધ્ય પૂર્વમાં છેલ્લા ત્રણ દિવસથી પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત દળો ઈરાન પર ભીષણ બોમ્બમારો કરી રહ્યા છે, જેની સામે ઈરાને પણ વળતો પ્રહાર શરૂ કર્યો છે. આ ભયાનક સંઘર્ષની વચ્ચે કુવૈતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી અત્યાધુનિક અને ઘાતક મનાતા અમેરિકાના F-15 ફાઈટર જેટ કુવૈતમાં ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી છે.
શું છે સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશમાં ઊડી રહેલા એક ફાઈટર જેટમાં અચાનક આગ લાગી જાય છે. વિમાન ક્રેશ થતા પહેલા કેટલાય સમય સુધી હવામાં ગોળ ચક્કર લગાવતું જોવા મળ્યું હતું અને ત્યારબાદ તે જમીનદોસ્ત થયું હતું. ઈરાન સમર્થિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ દાવો કરી રહ્યા છે કે આ વિમાનને ઈરાની હુમલામાં તોડી પાડવામાં આવ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે પ્રાથમિક અહેવાલો મુજબ પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો છે. હજુ સુધી યુએસ આર્મી કે કુવૈત સરકાર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
યુદ્ધની સ્થિતિ: ઈરાન પર 2,000 થી વધુ હુમલા
અમેરિકા અને ઈઝરાયેલે છેલ્લા 48 કલાકમાં ઈરાનના સૈન્ય માળખાને તોડી પાડવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાનની અંદર મિસાઈલ સ્ટોર્સ, એર ડિફેન્સ સિસ્ટમ અને નેવી બેઝ સહિત 2,000 થી વધુ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકી દળોએ હુમલાના ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં ઈરાની સૈન્ય થાણાઓ નષ્ટ થતા જોઈ શકાય છે. ઈઝરાયલે તેહરાનમાં ઈરાનના સ્ટેટ ટીવી કાર્યાલય અને અન્ય મહત્વપૂર્ણ સરકારી ઈમારતોને નિશાન બનાવી છે.
https://twitter.com/Iranmilitary24/status/2028337468580450812
ઈરાનનો વળતો જવાબ
માત્ર સંરક્ષણ કરવાને બદલે ઈરાને પણ આક્રમક તેવર બતાવ્યા છે. ઈરાને જેરુસલેમ, તેલ અવીવ અને કિર્યાત ઓનો જેવા ઈઝરાયેલી શહેરો પર મિસાઈલો છોડી છે. આ ઉપરાંત, ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો જેવા કે બહેરીન અને ઈરાક પર પણ હુમલા કર્યા છે, જેમાં મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલ છે. હાલમાં સમગ્ર મધ્ય પૂર્વ એક સળગતા જ્વાળામુખી પર બેઠું હોય તેવું લાગી રહ્યું છે. યુદ્ધ ક્યારે વિરામ લેશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ F-15 જેવા વિમાનનું ક્રેશ થવું તે અમેરિકા માટે મોટો આંચકો માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ અનેક ફ્લાઇટ્સ રદ્દ, પરેશાન જોવા મળ્યા યાત્રિકો, Delhi Airportની પરિસ્થિતિૉ