બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ સામે લડવા માટે એક નવી પદ્ધતિનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પદ્ધતિમાં ન તો મચ્છરોને મારવામાં આવશે કે ન તો તેમના કરડવાથી બચવાના ઉપાયો કરવામાં આવશે.

તેના બદલે મચ્છરોને એક ખાસ બેક્ટેરિયાથી સંક્રમિત કરવામાં આવશે, જે તેમના શરીરમાં ડેન્ગ્યુના વાયરસનો વિકાસ થતો અટકાવશે. વૈજ્ઞાનિકોએ શનિવારે એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આ મોટા અભ્યાસના સકારાત્મક પરિણામો રજૂ કર્યા હતા.

બ્રાઝિલમાં હજારો બાળકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. બ્રાઝિલ વિશ્વમાં ડેન્ગ્યુના સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાં સામેલ છે. આ પરીક્ષણ દરમિયાન સંશોધકોએ લાખો મચ્છરો છોડ્યા હતા.

આ મચ્છરોને વોલબેચિયા (Wolbachia) નામના કુદરતી બેક્ટેરિયાને પોતાના શરીરમાં વહન કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. આ બેક્ટેરિયાની હાજરીમાં મચ્છરોના શરીરમાં ડેન્ગ્યુ જેવા વાયરસનો વિકાસ કરવો મુશ્કેલ બને છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ પદ્ધતિથી ડેન્ગ્યુના ચેપમાં 68.5 ટકાનો ઘટાડો થયો છે.

મચ્છરો દ્વારા માણસોમાં ફેલાતી બીમારીઓ સામે લડવા માટે મચ્છરોને જૈવિક રીતે તૈયાર કરવાનો આ નવો પ્રયાસ છે. આ પરિણામો એવા સમયે સામે આવ્યા છે જ્યારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

બોસ્ટન યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ નિષ્ણાત ડેવિડ હેમરે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં આ પરિણામોને ઉત્સાહજનક ગણાવ્યાં હતાં. તેમના મતે, વોલબેચિયા ધરાવતા વધુ મચ્છરોનો ઉપયોગ કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

અભ્યાસ કેવી રીતે કરવામાં આવ્યો?

બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય, અમેરિકાની એમોરી અને યેલ યુનિવર્સિટી તેમજ અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે 2020થી 2024 દરમિયાન દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના બેલો હોરિઝોન્ટે શહેરમાં આ અભ્યાસ કર્યો હતો.

વૈજ્ઞાનિકોએ એડિસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છરોને વોલબેચિયા નામના કુદરતી બેક્ટેરિયાથી સંક્રમિત કર્યા હતા. આ બેક્ટેરિયા માણસો માટે હાનિકારક નથી, પરંતુ મચ્છરોની કેટલાક વાયરસ ફેલાવવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

આ બેક્ટેરિયા લગભગ 50 ટકા જીવાતોમાં કુદરતી રીતે જોવા મળે છે. જોકે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા અને યલો ફીવર ફેલાવતા એડિસ ઇજિપ્તી મચ્છરોમાં સામાન્ય રીતે આ બેક્ટેરિયા જોવા મળતા નથી.

ત્યારબાદ સંશોધકોએ વોલબેચિયા ધરાવતા મચ્છરોને વિવિધ વિસ્તારોમાં છોડ્યા હતા. થોડા સમય બાદ 5,700 બાળકોના ડેન્ગ્યુના લક્ષણો માટે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમાં એવા વિસ્તારોમાં રહેતાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યાં સંક્રમિત મચ્છરો છોડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય વિસ્તારોમાં જંતુનાશકો જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડેન્ગ્યુ ઉપરાંત અન્ય બીમારીઓમાં પણ ઘટાડો

સંશોધકોએ લક્ષણો વગરના સંક્રમિત દર્દીઓને ઓળખવા માટે મચ્છર, ટિક અને સૅન્ડફ્લાય દ્વારા ફેલાતી અન્ય બીમારીઓના પણ પરીક્ષણો કર્યા હતા.,જે વિસ્તારોમાં વોલબેચિયા ધરાવતા મચ્છરો છોડવામાં આવ્યા હતા, ત્યાં માત્ર 4 ટકા નિયમિત બ્લડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે અન્ય વિસ્તારોમાં આ પ્રમાણ 14 ટકા હતું. અભ્યાસમાં ડેન્ગ્યુના કેસમાં 68.5 ટકા અને ચિકનગુનિયાના કેસમાં 73.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બ્રાઝિલમાં વિશ્વના કુલ ડેન્ગ્યુના કેસમાંથી આશરે દસ ટકા કેસ નોંધાય છે. અભ્યાસ દરમિયાન બેલો હોરિઝોન્ટે શહેર ડેન્ગ્યુના ગંભીર પ્રકોપનો સામનો કરી રહ્યું હતું. તેથી આ પદ્ધતિની અસરકારકતા સમજવા માટે આ અભ્યાસ મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. આ પરિણામો અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં અમેરિકન સોસાયટી ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઇજીનના સંમેલનમાં રજૂ કરવામાં આવ્યા હતા.

શું વોલબેચિયા પદ્ધતિનો પહેલીવાર ઉપયોગ થયો છે?

જોકે, આ પદ્ધતિનો ઉપયોગ અગાઉ પણ કરાયો છે. વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ (WMP) દ્વારા આ પદ્ધતિ હેઠળ વિવિધ દેશોમાં મચ્છરો છોડવાના પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યા છે. 2000ના દાયકાના મધ્યભાગથી આ પદ્ધતિ પર કામ થઈ રહ્યું છે.

તેમાં કોલંબિયાની અબુરા વેલી અને બ્રાઝિલના નિટેરોઈ શહેર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોની કુલ વસ્તી આશરે 45 લાખ છે. આ વિસ્તારોમાં અભ્યાસ હેઠળ આવતી આશરે 10 લાખ લોકોની વસ્તીમાં ડેન્ગ્યુના ચેપમાં 92 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ફ્યુમિગેશનની સરખામણીએ આ પદ્ધતિ વધુ લાંબા સમય સુધી અસરકારક રહી શકે છે અને પર્યાવરણ માટે પણ વધુ અનુકૂળ છે. ફ્યુમિગેશન પદ્ધતિ ખર્ચાળ હોવાની સાથે ઝેરી રસાયણોનો ઉપયોગ પણ કરે છે.

સિંગાપોરમાં વર્ષ 2016થી વોલબેચિયા સાથે જોડાયેલી મચ્છરોની વસ્તી ઘટાડવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. તેમાં વોલબેચિયા ધરાવતા નર મચ્છરોને જંગલી માદા મચ્છરો સાથે પ્રજનન કરવા માટે છોડવામાં આવે છે.

પરિણામે માદા મચ્છરો જે ઇંડાં મૂકે છે તેમાંથી બચ્ચાં બહાર આવતાં નથી. વૈજ્ઞાનિકોનો મુખ્ય ઉદ્દેશ્ય અભ્યાસના વિસ્તારોમાં વોલબેચિયા ધરાવતા મચ્છરોની કાયમી સ્થાનિક વસ્તી ઊભી કરવાનો છે.

આ માટે સંશોધકો સ્થાનિક સમુદાયના આગેવાનો સાથે મળીને મચ્છરોને છોડે છે અથવા તેમના ઇંડાં ખાસ કન્ટેનરમાં મૂકે છે. ત્યારબાદ આ ઇંડાંમાંથી નવા મચ્છરો બહાર આવે છે અને સ્થાનિક મચ્છરોની વસ્તીમાં ભળી જાય છે. સમય જતાં વોલબેચિયા બેક્ટેરિયા ધરાવતા મચ્છરોની સંખ્યા વધવાની સંભાવના છે.

મચ્છરોનો ઉપયોગ અન્ય કઈ બીમારીઓ સામે થઈ રહ્યો છે?

મચ્છરો ખાસ કરીને માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા પણ ફેલાવે છે. આ બીમારી આફ્રિકાના અનેક દેશોમાં સામાન્ય છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓને મેલેરિયાનું જોખમ વધારે રહે છે. ગંભીર સ્થિતિમાં આ બીમારી જીવલેણ પણ બની શકે છે.

વર્ષ 2024માં નેધરલેન્ડની લેડન યુનિવર્સિટી મેડિકલ સેન્ટર અને રેડબાઉડ યુનિવર્સિટીના સંશોધકોએ મચ્છરોનો ઉપયોગ કરીને મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવાની નવી પદ્ધતિ પર કામ કર્યું હતું.

વૈજ્ઞાનિકોએ મચ્છરોને મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમના સંશોધિત સ્વરૂપથી સંક્રમિત કર્યા હતા. આ પરોપજીવી માણસોમાં મેલેરિયાનું સૌથી ઘાતક સ્વરૂપ પેદા કરે છે.

જ્યારે મચ્છર માણસને કરડે છે ત્યારે તેની લાળ દ્વારા પરોપજીવી શરીરમાં પ્રવેશે છે. ત્યારબાદ તે લિવર સુધી પહોંચે છે અને ત્યાં પોતાની સંખ્યા વધારીને લાલ રક્તકણોને સંક્રમિત કરે છે. આ રીતે મેલેરિયાનો ચેપ ફેલાય છે.

80 ટકા લોકોમાં વિકસિત થઈ રોગપ્રતિકારક શક્તિ

આ પરીક્ષણમાં સંશોધકોએ મચ્છરોના કરડવાથી મેલેરિયાના ચેપની પ્રક્રિયાનો ઉપયોગ કરીને લિવરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરીક્ષણમાં સામેલ એક જૂથના 80 ટકા લોકોમાં મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ હતી. જોકે, આ પરીક્ષણ માત્ર 20 લોકો પર કરવામાં આવ્યું હોવાથી તેના આધારે મોટા પાયે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.

સંશોધકોનું કહેવું હતું કે લાંબા ગાળે આ પદ્ધતિ પરંપરાગત રસી કરતાં વધુ અસરકારક અને ટકાઉ સાબિત થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ જ રીતે અમેરિકામાં વર્ષ 2022માં 26 લોકો પર કરવામાં આવેલા નાના પરીક્ષણમાં આ પદ્ધતિ 50 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ 2010માં જાપાનના વૈજ્ઞાનિકોએ લીશમેનિયાસિસ નામની પરોપજીવી બીમારી સામે રસી પહોંચાડવા માટે મચ્છરોને સંશોધિત કર્યા હતા. સામાન્ય રીતે આ બીમારી સૅન્ડફ્લાય દ્વારા ફેલાય છે. સંશોધિત મચ્છરો દ્વારા કરડવામાં આવેલા ઉંદરોમાં આ પરોપજીવી સામે એન્ટિબોડી વિકસિત થઈ હતી.

આ પણ વાંચો:Movie Update: ‘નાગજિલા’માં મોટો ટ્વિસ્ટ! કાર્તિક આર્યન સામે રવિ કિશનની એન્ટ્રી, આ દિવસે થશે રિલીઝ