ડેનમાર્કની રાજધાની કોપનહેગન નજીક ગુરુવારે વહેલી સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બે સ્થાનિક ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 12થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ડેનિશ પોલીસે તેને મોટી દુર્ઘટના તરીકે જાહેર કરી છે.


હિલેરોડ નજીક બની હતી આ ઘટના

ઉત્તર ઝીલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કોપનહેગનથી આશરે 40 કિલોમીટર ઉત્તરમાં આવેલા હિલેરોડ નજીક સવારે 6:30 વાગ્યે સર્જાયો હતો. આ સમયે ટ્રેનમાં ઘણા લોકો નોકરી-ધંધાર્થે અને શાળાએ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રેનોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા

ઘટનાની જાણ થતા જ ગ્રેટર કોપનહેગન ફાયર ડિપાર્ટમેન્ટ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી હતી, પરંતુ બાદમાં સત્તાવાર આંકડો સુધારીને પાંચ કરવામાં આવ્યો હતો. ગ્રીબસ્કોવ શહેરના મેયર ટ્રાઇન એગેટવેડે માહિતી આપી હતી કે ઈજાગ્રસ્તોની સ્થિતિને જોતા કેટલાક લોકોને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે તમામ મુસાફરોને ટ્રેનોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જોકે ઘાયલોમાં ટ્રેન ડ્રાઇવરનો સમાવેશ થાય છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

એન્જિન અને આગળના ડબ્બાને ભારે નુકસાન

ઘટનાસ્થળ પરથી મળેલી તસવીરોમાં જોવા મળે છે કે ટક્કર છતાં બંને ટ્રેનો પાટા પર જ રહી હતી, પરંતુ તેમના એન્જિન અને આગળના ડબ્બાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માત કયા સંજોગોમાં થયો, સિગ્નલની ખામી હતી કે ડ્રાઈવરની ભૂલ, તે જાણવા માટે તપાસકર્તાઓની ટીમ કામે લાગી છે.

સ્થાનિક જનજીવન પર અસર

આ રેલવે લાઇન ગ્રીબસ્કોવ અને આસપાસના વિસ્તારોમાં રહેતા કામદારો અને સ્કૂલના બાળકો માટે જીવનરેખા સમાન છે. અકસ્માતને કારણે આ રૂટ પરની ટ્રેન સેવાઓ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. આ દુર્ઘટનાએ ડેનમાર્કમાં ટ્રેન સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલ પોલીસ અને રેલવે સત્તાવાળાઓ ઘટનાસ્થળે કાટમાળ ખસેડવાની અને સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ChatGPT Images 2.0: ડિઝાઇનર્સ માટે સારા સમાચાર, હવે ઇમેજમાં ટેક્સ્ટ લખવું બન્યું સરળ!

  • Follow us on: