આકાશમાં ઉડતી ફ્લાઇટ્સમાં સુરક્ષા અને શિસ્તના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટમાં અચાનક ભારે અરાજકતા અને અંધાધૂંધી મચી ગઈ હતી. ફ્લાઇટ હવામાં હતી ત્યારે જ બે મુસાફરો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત એટલી વધી ગઈ કે બંને જાહેરમાં લાતો અને મુક્કા મારવા લાગ્યા, જેના કારણે વિમાનમાં હાજર અન્ય પ્રવાસીઓમાં ભારે ડર અને ફફડાટ ફેલાઈ ગયો હતો.

મુસાફરોમાં ઉગ્ર ઝઘડો અને વાયરલ વીડિયો

'ઢાકા ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય ઉડાન દરમિયાન બે યાત્રીઓ વચ્ચે થયેલી આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઝઘડો શરૂ થયા બાદ વિમાનમાં હાજર અન્ય સાથી મુસાફરોએ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને લડાકુ મુસાફરો એટલા આક્રમક થઈ ગયા હતા કે તેઓ એકબીજા પર મુક્કાઓ વરસાવતા રહ્યા. આ મારામારીમાં એક મુસાફરનું ટી-શર્ટ પણ ફાટી ગયું હતું.
https://twitter.com/ferozwala/status/2100769470084198735

પાયલોટની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો

ફ્લાઇટની અંદર અચાનક આ પ્રકારની હિંસા ફાટી નીકળવાને કારણે મુસાફરોમાં ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થિતિની ગંભીરતાને પારખીને ફ્લાઇટના પાયલોટે તાત્કાલિક પોતાની કેબિનમાંથી બહાર આવીને મુસાફરો પાસે પહોંચીને ભારે જહેમત બાદ મામલો શાંત પાડ્યો હતો.

મુસાફરોના વર્તને ફરી ઉઠાવ્યા સવાલ

આ ગંભીર ઘટના અંગે જ્યારે એરલાઇનના જનરલ મેનેજર મહબુબુદ્દીન અહેમદને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પ્રારંભિક પ્રતિક્રિયામાં એવું કહ્યું કે તેમની પાસે આ વિશે હજુ સત્તાવાર માહિતી નથી, પરંતુ તેઓ ટૂંક સમયમાં તપાસ કરશે. એરલાઇન દ્વારા આ મામલે હજુ સુધી કોઈ મોટું નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં મુસાફરોના વર્તનને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ લો બોલો! America માં કોઇએ કેળાં ન ખાવા, ટ્ર્મ્પે લોકોને આ કારણથી કરી અજીબો ગરીબ અપીલ