અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીના નબળા પ્રદર્શન અંગે એક અત્યંત ચોંકાવનારું વિશ્લેષણ રજૂ કર્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર પાછળનું એક મુખ્ય કારણ અમેરિકન લોકોમાં ઇઝરાયલ પ્રત્યેનો અણગમો છે. ટ્રમ્પના મતે, ભલે અમેરિકી સરકાર ઇઝરાયલ સાથે ગાઢ સંબંધો ધરાવતી હોય, પરંતુ સામાન્ય અમેરિકન મતદારો ઇઝરાયલ સંબંધિત નીતિઓ અને ચાલી રહેલા યુદ્ધથી ખુશ નહોતા.
હાર માટેના મુખ્ય પરિબળો
મીડિયા સાથેની એક વિશેષ મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંને પર કબ્જો કરવાના કારણો રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, "સૌપ્રથમ તો હું પોતે આ ચૂંટણી રેસમાં ઉમેદવાર તરીકે નહોતો." ટ્રમ્પે સ્વીકાર્યું કે મતદારોને કેટલાક રિપબ્લિકન ઉમેદવારો પસંદ ન પડ્યા, જેમાં તેમના દ્વારા સમર્થિત ઉમેદવારો પણ સામેલ હતા.
આ ઉપરાંત, ટ્રમ્પે હાર માટે અન્ય મહત્વના આર્થિક અને વૈશ્વિક કારણો પણ ગણાવ્યા હતા. લોકો યુદ્ધના માહોલથી કંટાળી ગયા હતા અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી ભારે નારાજ હતા. તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે, "લોકોમાં ઇઝરાયલ પ્રત્યે ભારે અણગમો જોવા મળ્યો છે." નોંધનીય છે કે અગાઉ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં ચૂંટણીઓ જીતવા માટે રિપબ્લિકન પાર્ટીએ પોતાની ઇઝરાયલ નીતિમાં પુનર્વિચાર્ણા કરવી પડશે.
નેતન્યાહૂ અને આઈઝેનકોટ અંગે ટ્રમ્પનું વલણ
ઇઝરાયલના આંતરિક રાજકારણ વિશે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ સત્તામાં રહે કે ગાદી આઈઝેનકોટ વડા પ્રધાન બને, તેનાથી અમેરિકા-ઇઝરાયલ સંબંધો પર કોઈ ખાસ ફરક નહીં પડે. બંને નેતાઓ સમાન નીતિઓ ધરાવે છે અને બંને અમેરિકા તથા તેમનું સન્માન કરે છે. નેસેટ (ઇઝરાયલી સંસદ) ની ચૂંટણીઓ પહેલાં પણ આઈઝેનકોટે ટ્રમ્પ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાનું ટાળ્યું હતું.
વ્હાઇટ હાઉસ કેબિનેટમાં ફેરબદલની યોજના
ચૂંટણી પરિણામો બાદ મંત્રીમંડળમાં ફેરફાર અંગે વાત કરતાં ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ચીફ ઓફ સ્ટાફ સુસી વિલ્સન દ્વારા ડેપ્યુટી સ્ટીફન મિલરને હટાવ્યા બાદ તેઓ હજુ પણ કેટલાક અધિકારીઓને પદ પરથી દૂર કરી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સચિવ માર્કો રુબિયો રાજીનામું આપવાના નથી અને તેઓ પોતાના પદ પર યથાવત રહીને અદ્ભુત કામગીરી ચાલુ રાખશે.
આ પણ વાંચોઃ Lucknow Agra એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ પલટી જતા 3ના મોત, 45 મુસાફરો ઘાયલ