દિવાળીનો પવિત્ર તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો છે. પરંપરાગત રીતે લોકો દીવા પ્રગટાવીને, એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને અને ઘરના દરવાજા પર રંગબેરંગી રંગોળી બનાવીને આ પર્વ ઉજવે છે. પરંતુ આ વખતે દુબઈમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. દુબઈમાં અસલી સોના અને હીરામાંથી તૈયાર કરવામાં આવેલી એક અનન્ય 'ગોલ્ડન રંગોળી' સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
213 જ્વેલરી પીસ અને 6.5 કિલો સોનાનો થયો ઉપયોગ
ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, દુબઈના 'સિટી સેન્ટર ડેઈરા' મોલ ખાતે મુલાકાતો માટે એક અતિ ભવ્ય ગોલ્ડન રંગોળી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ રંગોળી કોઈ રંગો કે ફૂલોથી નહીં, પરંતુ અસલી સોના અને હીરાના ઘરેણાંથી બનાવવામાં આવી હતી. પ્રખ્યાત બ્રાન્ડ 'દામસ' (Damas) દ્વારા દુબઈ ફેસ્ટિવલ્સ એન્ડ રીટેલ એસ્ટેબ્લિશમેન્ટના સહયોગથી તૈયાર કરાયેલી આ રંગોળીમાં 213 જેટલા જ્વેલરી પીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનું કુલ વજન 6.5 કિલોગ્રામ જેટલું હતું.
