મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેના સંબંધોમાં તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના સંઘર્ષ બાદ, ટ્રમ્પે નેતન્યાહૂને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ ઈરાન પર હુમલા કરવાનું ચાલુ રાખશે, તો અમેરિકા તેનો સાથ છોડી દેશે.


બીબી, તમે સાવચેત રહો, નહીં તો એકલા પડી જશો...

ડોનાલ્ડ ટ્રમ્પે મીડયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે નેતન્યાહૂને સીધી રીતે કહ્યું છે, "બીબી, તમે સાવચેત રહો, નહીંતર ટૂંક સમયમાં તમે એકલા પડી જશો." ટ્રમ્પનો આ મિજાજ દર્શાવે છે કે તેઓ ઈરાન સાથેની દુશ્મનીને લંબાવવાની તરફેણમાં નથી. ટ્રમ્પના મતે, રવિવારે કરવામાં આવેલા હુમલાઓ વિશે ઇઝરાયલે અમેરિકાને ખૂબ જ મોડું જાણ કરી હતી, જેના કારણે તેઓ રોષે ભરાયા છે.

લેબનોનના સંઘર્ષમાં ઇઝરાયલે વળતો પ્રહાર કર્યો

આ સંઘર્ષની શરૂઆત લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના સૈન્ય અભિયાનના જવાબમાં થઈ હતી, જેના ભાગરૂપે ઈરાને ઇઝરાયલ પર મિસાઈલ હુમલા કર્યા હતા. જવાબમાં ઇઝરાયલે પણ વળતો પ્રહાર કર્યો હતો. જોકે, હવે બંને દેશોએ લડાઈ બંધ કરી દીધી હોવાની જાહેરાત કરી છે, તેમ છતાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ઈરાની અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો અને ખાતરી આપી હતી કે જો ઇઝરાયલ પીછેહઠ કરશે, તો તેઓ પણ હુમલા બંધ કરી દેશે.

નેતન્યાહૂએ સંકેત આપ્યો કે હુમલા ફરીથી થઇ શકે છે

પરંતુ, નેતન્યાહૂએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં હુમલાઓ ફરી શરૂ થઈ શકે છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાને વિશ્વાસમાં લીધા વગર ઇઝરાયલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો મધ્ય પૂર્વમાં શાંતિ માટે જોખમી છે. હવે પ્રશ્ન એ છે કે શું નેતન્યાહૂ ટ્રમ્પની આ ચેતવણીને ગંભીરતાથી લેશે, કે પછી ઇઝરાયલ પોતાની સુરક્ષા માટે એકલા હાથે ઈરાન સામે મોરચો માંડવાનું જોખમ ઉઠાવશે? અમેરિકાના આ વલણથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઇઝરાયલની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. હાલમાં મધ્ય પૂર્વની સ્થિતિ અત્યંત નાજુક છે અને સમગ્ર વિશ્વની નજર આ બંને નેતાઓના આગામી પગલાઓ પર ટકેલી છે.

આ પણ વાંચોઃ Dictators Leadership: આ સરમુખત્યારોએ બદલ્યુ પોતાના દેશનું નસીબ, આર્થિક નીતિઓ પર કર્યુ સચોટ કામ

  • Follow us on: