અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટેરિફ નીતિનો બચાવ કર્યો છે. તેમણે અમેરિકાના લોકોને ટેરિફનો સૌથી મોટો ફાયદો મળતો હોવાનું જણાવ્યું અને કહ્યું કે જે લોકો ટેરિફનો વિરોધ કરે છે તેઓ “મૂર્ખ” છે. તેમણે કહ્યું કે ટેરિફ વસૂલવાથી મળનારા રેવન્યુથી મધ્યમ અને નીચી આવકવર્ગના લોકોને પ્રતિ વ્યક્તિ 2000 ડોલરનો લાભ મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ અંગે લોકોને માહિતી આપી.
અમેરિકા સૌથી અમીર દેશઃડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું કે ટેરિફથી અમેરિકાને જે આવક મળશે, તેના દ્વારા દરેક અમેરિકન નાગરિકને 2000 ડોલરનો લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકા દુનિયાનો સૌથી મોટો અને સૌથી અમીર દેશ બની ગયો છે. દેશમાં મોંઘવારી શૂન્ય છે અને શેરબજારના ભાવ 401Kના રેકોર્ડ સ્તરે છે. ટેરિફની વસૂલાતથી અમેરિકાને ખરબો ડોલરની કમાણી થશે, જેનાથી 37 ટ્રિલિયન ડોલરના દેવાનું ચૂકવણું શક્ય બનશે.
ટેરિફથી ઇન્વેસ્ટમેન્ટ અને રોજગાર વધશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે ટેરિફનો વિરોધ કરનારા લોકો “મૂર્ખ” છે. ટેરિફને કારણે અમેરિકામાં રોકાણ અને રોજગારના અવસર વધ્યા છે. દેશમાં ફેક્ટરી, પ્લાન્ટ અને ઉદ્યોગો ઉભા થઈ રહ્યા છે, જ્યાં લોકોને રોજગાર મળશે. તેમણે કહ્યું કે હજી કહી શકાતું નથી કે આ 2000 ડોલરનું પેમેન્ટ ક્યારે અને કેવી રીતે મળશે, પરંતુ આ ચૂકવણી કરવાનો હું વાયદો કરું છું.આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પોસ્ટ ત્યારે કરી જ્યારે તેમની ટેરિફ નીતિ સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
સુપ્રીમ કોર્ટમાં ટેરિફ પર સુનાવણી ચાલુ
સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફ પર ચર્ચા ચાલી રહી છે. એક અરજીમાં રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો સંવિધાનિક અધિકાર માન્ય છે કે નહીં, તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સે સુનાવણી દરમિયાન અમેરિકાના સોલિસિટર જનરલ ડી. જ્હોન સોઅરને કહ્યું કે ટેરિફ એવો જ છે જેમ કે અમેરિકન લોકો પર ટેક્સ લગાડવામાં આવ્યો હોય. કેસની સુનાવણી હજી ચાલુ છે અને આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની ટેરિફ નીતિનો બચાવ કરતા જોવા મળે છે.