અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સુદાનની હાલની પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સુદાનમાં ભયંકર અત્યાચાર થઈ રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે એક સમયે આ દેશ મહાન સંસ્કૃતિ માટે જાણીતો હતો, પરંતુ હવે તે ધરતી પરનું સૌથી હિંસક સ્થાન બની ગયું છે, જ્યાં સૌથી મોટું માનવીય સંકટ સર્જાયું છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે, સુદાનમાં ભયંકર અત્યાચારો થઈ રહ્યા છે. તે ધરતી પરનું સૌથી હિંસક સ્થાન બની ગયું છે અને અહીં સૌથી મોટું માનવીય સંકટ છે. ત્યાં ખોરાક, ડોક્ટર અને દરેક જરૂરી વસ્તુની ભારે અછત છે.
અમે સુદાનને સ્થિર કરવાની કામગીરી કરીશું
ટ્રમ્પે આગળ કહ્યું કે, નિયાભરના અરબ નેતાઓ, ખાસ કરીને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જે તાજેતરમાં અમેરિકા પ્રવાસે આવ્યા હતા. મારે વિનંતી કરી રહ્યા છે કે હું રાષ્ટ્રપતિ પદના પ્રભાવનો ઉપયોગ કરીને સુદાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેને તરત રોકું. સુદાનને એક મહાન સંસ્કૃતિ ધરાવતો દેશ માનવામાં આવે છે, જે દુર્ભાગ્યે ખૂબ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે, પરંતુ વિવિધ દેશોના સહકાર અને સંકલનથી તેને સુધારી શકાય છે. વિસ્તારના સમૃદ્ધ દેશોનો પણ સુદાનમાં રસ છે. અમે સાઉદી અરેબિયા, યુએઈ, ઇજિપ્ત અને અન્ય મધ્ય પૂર્વના ભાગીદાર દેશો સાથે મળી આ અત્યાચારને રોકવા અને સુદાનને સ્થિર કરવાનો પ્રયાસ કરીશું.










