અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં સાથ ન આપવા બદલ નાટો (NATO) દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સહયોગી દેશોને ‘કાયર’ ગણાવતા જણાવ્યું છે કે, અમેરિકા વિના નાટો માત્ર એક ‘કાગળના સિંહ’ સમાન છે. ટ્રમ્પની આ આક્રમક ટિપ્પણીથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે નારાજગી

અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સામે યુદ્ધ ચાલી રહ્યું છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. ટ્રમ્પે ખાસ કરીને ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરિયાઈ માર્ગ હાલ ઈરાનના નિયંત્રણમાં છે, જ્યાંથી વિશ્વનો મોટો ભાગ તેલ અને ગેસનો પુરવઠો મેળવે છે.

'કાયરો, અમે આ વાત યાદ રાખીશું!'

ટ્રમ્પનું કહેવું છે કે, નાટો દેશો તેલ મોંઘા થવાની ફરિયાદ તો કરે છે, પરંતુ આ માર્ગ સુરક્ષિત કરવામાં લશ્કરી મદદ કરવા તૈયાર નથી. તેમણે ઉમેર્યું કે, હોર્મુઝને ખોલવો એ એક સરળ લશ્કરી પગલું છે, છતાં સહયોગી દેશો પાછળ હટી રહ્યા છે. કાયરો, અમે આ વાત યાદ રાખીશું!

નાટો દેશોનો વળતો જવાબ

બીજી તરફ, જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને જાપાન સહિતના 7 દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ દરિયાઈ સુરક્ષાના પ્રયાસોમાં જોડાઈ શકે છે, પરંતુ તે પહેલાં યુદ્ધ વિરામ જરૂરી છે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ તબક્કે સીધા યુદ્ધમાં જોડાવા માંગતા નથી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું વધુ જરૂરી છે.

નાટો દેશો સહયોગ નહીં આપે, તો...

ટ્રમ્પે અગાઉ 15 અને 17 માર્ચે પણ ચેતવણી આપી હતી કે, જો નાટો દેશો સહયોગ નહીં આપે, તો નાટોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. ટ્રમ્પના મતે, અમેરિકા દર વર્ષે આ દેશોની સુરક્ષા પાછળ અબજો ડોલર ખર્ચે છે, પરંતુ જરૂરિયાતના સમયે આ દેશો પીછેહઠ કરી રહ્યા છે.


આ પણ વાંચો - સ્વિટ્ઝર્લૅન્ડ Iran પર હુમલો કરવા માટે Americaને દારૂગોળો આપશે નહીં, હથિયારોના વેચાણ પર પ્રતિબંધ