યુનાઇટેડ સ્ટેટ્સમાં વેપાર નીતિ અને કાયદા વચ્ચેનો સંઘર્ષ ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં United States Supreme Court એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ દ્વારા અગાઉ લાદવામાં આવેલા કેટલાક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા. કોર્ટનું કહેવું હતું કે ટ્રમ્પે 1977ના IEEPA (International Emergency Economic Powers Act) કાયદાનો ખોટો ઉપયોગ કર્યો છે.

 મીડિયા સાથે વાત

આ ચુકાદા બાદ ટ્રમ્પે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું ઈચ્છું તો કોઈપણ દેશ સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કરી શકું છું, પ્રતિબંધો લાદી શકું છું, પરંતુ મને એક ડોલરનો પણ ટેરિફ લાદવાથી રોકવામાં આવ્યો છે.” ટ્રમ્પે આ નિર્ણયને “શરમજનક” ગણાવ્યો અને સંકેત આપ્યો કે કોર્ટનો ચુકાદો અમેરિકાના હિત કરતાં અન્ય દેશોના રક્ષણ માટે વધુ હોઈ શકે છે.

 થોડા કલાકોમાં જ ટ્રમ્પે નવું પગલું

કોર્ટના આદેશના થોડા કલાકોમાં જ ટ્રમ્પે નવું પગલું ભર્યું. તેમણે ઓવલ ઓફિસમાંથી જાહેરાત કરી કે તેમણે 10 ટકા “વૈશ્વિક ટેરિફ” પર સહી કરી છે. આ ટેરિફ 1974ના Trade Act of 1974 ની કલમ 122 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. આ કલમ રાષ્ટ્રપતિને મહત્તમ 150 દિવસ માટે 15 ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપે છે અને તેના માટે ઔપચારિક તપાસ ફરજિયાત નથી.

કોર્ટના ચુકાદા છતાં તેમની ટેરિફ નીતિ અટકશે

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે કોર્ટના ચુકાદા છતાં તેમની ટેરિફ નીતિ અટકશે નહીં. તેમના જણાવ્યા અનુસાર, અગાઉના ટેરિફથી United States ને “સેંકડો અબજ ડોલરની આવક” થઈ છે. હવે તેઓ આવા કાનૂની વિકલ્પો શોધી રહ્યા છે, જેનાથી સરકારને વધુ આવક મળી શકે.

ભારત પર શું અસર પડશે?

આ સમગ્ર વિવાદ વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે ભારત સાથેના વેપાર સંબંધોમાં હાલ કોઈ તાત્કાલિક ફેરફાર નહીં થાય. વ્હાઇટ હાઉસના અધિકારીઓ અનુસાર, જે દેશો અમેરિકા સાથે વેપાર કરાર ધરાવે છે, તેમના માટે નવા દર નક્કી ન થાય ત્યાં સુધી ટેરિફ 10 ટકા પર જ રહેશે. કાનૂની નિષ્ણાતો માને છે કે આ નવા 10 ટકા વૈશ્વિક ટેરિફને પણ કોર્ટમાં પડકાર મળી શકે છે. જોકે, આ ટેરિફ માત્ર 150 દિવસ માટે માન્ય છે, શક્ય છે કે કાનૂની પ્રક્રિયા પૂરી થાય તે પહેલાં જ તે સમયસીમા પૂર્ણ થઈ જાય.

ટેરિફ યુદ્ધ હજુ પૂરું થયું નથી

એકંદરે જોઈએ તો ટેરિફ યુદ્ધ હજુ પૂરું થયું નથી. યુએસ સુપ્રીમ કોર્ટ અને વ્હાઇટ હાઉસ વચ્ચેનો આ સંઘર્ષ આવનારા મહિનાઓમાં અમેરિકન રાજકારણ ઉપરાંત વૈશ્વિક વેપાર પર પણ મોટી અસર કરી શકે છે. ભારત સહિત ઘણા દેશો માટે આ સ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ બની ગઈ છે.

આ પણ વાંચો : Donald Trump tariffs : શું ટ્રમ્પ ટેરિફ ઘટાડા પછી US કોર્ટમાં બદલો લેશે? બેઠકના રહસ્યો થયા લીક