મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંના એક એવા Dubai International Airport પર મિસાઈલના કાટમાળ પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ સત્તાવાળાઓએ તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રીતે રોકી દીધી હતી. જેના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉડતી અનેક ફ્લાઇટ્સને મોડું

શનિવારે સવારે થયેલી આ ઘટનાને કારણે એરપોર્ટ પર ઉતરતી અને ઉડતી અનેક ફ્લાઇટ્સને મોડું કરવું પડ્યું હતું અથવા કેટલાકને અન્ય એરપોર્ટ તરફ મોકલવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ સ્ટાફે તાત્કાલિક સ્થિતિનું મૂલ્યાંકન શરૂ કર્યું હતું અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એરપોર્ટ પર ફરીથી ફ્લાઇટ કામગીરી શરૂ

પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે એરપોર્ટ પર ફરીથી ફ્લાઇટ કામગીરી શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે 7 માર્ચથી કેટલીક ફ્લાઇટ્સ ફરીથી ચાલુ કરવામાં આવી છે અને કામગીરી હાલ આંશિક રીતે પુનઃસ્થાપિત થઈ રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી

એરપોર્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે હાલ કેટલીક ફ્લાઇટ્સ DXB અને Al Maktoum International Airport (DWC) પરથી સંચાલિત થઈ રહી છે. સત્તાવાળાઓએ મુસાફરોને ખાસ સૂચના આપી છે કે તેઓ પોતાની એરલાઇન તરફથી ફ્લાઇટ કન્ફર્મેશન મળ્યા બાદ જ એરપોર્ટ તરફ જવા માટે નીકળે. કારણ કે હાલની પરિસ્થિતિમાં ફ્લાઇટનું સમયપત્રક સતત બદલાઈ શકે છે.

ઇરાન સાથે જોડાયેલી મિસાઈલનો કાટમાળ

આ ઘટના પાછળ ઇરાન સાથે જોડાયેલી મિસાઈલનો કાટમાળ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જોકે આ અંગે સુરક્ષા એજન્સીઓ હજુ વધુ તપાસ કરી રહી છે. એરપોર્ટની આસપાસ સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે જેથી મુસાફરો અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરી શકાય. દુબઈ એરપોર્ટ વિશ્વભરના લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં થોડા સમય માટે પણ ફ્લાઇટ કામગીરી બંધ થવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી પર અસર જોવા મળે છે.

પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની

હાલમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે અને એરપોર્ટ સત્તાવાળાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં ફ્લાઇટ કામગીરી સંપૂર્ણ રીતે ફરી શરૂ થઈ જશે. મુસાફરોને સતત નવીનતમ માહિતી મેળવવા માટે પોતાની એરલાઇન સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Israel Iran War : ‘શરણાગતિનું સ્વપ્ન જોનારા નિષ્ફળ જશે’ ઈરાનના રાષ્ટ્રપતિનો કડક સંદેશ