દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના નાના ભાઈ શેખ અહમદ બિન રાશિદ અલ મક્તૂમનું સોમવારે સવારે 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધન બાદ દુબઈમાં 10 દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન સમગ્ર અમીરાતમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

ભાઈના નિધન પર શેખ મોહમ્મદ ભાવુક

શેખ અહમદના નિધન બાદ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે પોતાના ભાઈને યાદ કરીને ભાવુક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે અહમદ તેમની નજરથી દૂર થયા છે, પરંતુ તેઓ હંમેશા પ્રાર્થના અને હૃદયમાં જીવંત રહેશે.

https://twitter.com/MohamedBinZayed/status/2101948549504057562   


દુબઈ પોલીસ અને સુરક્ષામાં મહત્વની જવાબદારી

શેખ અહમદ દુબઈના શાસક પરિવારના મહત્વના સભ્યોમાં સામેલ હતા. તેમણે દુબઈ પોલીસ અને પબ્લિક સિક્યુરિટીના ડેપ્યુટી ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત તેઓ અલ વસલ સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન પણ રહ્યા હતા.

સૈન્ય ક્ષેત્ર સાથે લાંબો સંબંધ

શેખ અહમદનો સૈન્ય ક્ષેત્ર સાથે પણ લાંબો સંબંધ રહ્યો હતો. તેમણે બ્રિટનની રોયલ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ દુબઈના સેન્ટ્રલ મિલિટરી રીજનમાં જોડાયા અને બાદમાં તેની કમાન પણ સંભાળી હતી.

અલ વસલ ક્લબ સાથે 6 દાયકાનો સંબંધ

શેખ અહમદનો અલ વસલ ક્લબ સાથે લગભગ 6 દાયકાનો સંબંધ રહ્યો હતો. ક્લબની શરૂઆતની વ્યવસ્થાથી લઈને તેના વિસ્તરણ સુધી તેઓ જોડાયેલા રહ્યા. તેમના નેતૃત્વ હેઠળ અલ વસલ ફૂટબોલ સહિત અનેક રમતોમાં UAEની જાણીતી ક્લબોમાં સામેલ થયું.

ઘોડાદોડ અને રમતગમતને પણ પ્રોત્સાહન

શેખ અહમદે ઘોડાદોડને પ્રોત્સાહન આપવામાં પણ ભૂમિકા ભજવી હતી. જબેલ અલી રેસકોર્સની સ્થાપના ઉપરાંત અલ અદિયાત અને દુબઈ હોર્સ રેસિંગ સેન્ટર જેવા પ્રયાસો સાથે પણ તેમનું નામ જોડાયેલું રહ્યું.

દરિયાઈ રમતોમાં પણ મહત્વનું યોગદાન

શેખ અહમદ દુબઈ ઇન્ટરનેશનલ મરીન ક્લબની સ્થાપનાની પ્રક્રિયા સાથે પણ જોડાયેલા હતા. 1988માં તેઓ તેના પ્રથમ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ 1989માં વિક્ટ્રી ટીમની સ્થાપનામાં પણ તેમની ભૂમિકા રહી હતી.

UAEના રાષ્ટ્રપતિએ પણ વ્યક્ત કર્યો શોક

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પણ શેખ અહમદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે પણ પોતાના કાકાને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. એકસ પર તેમણે લખ્યું હતું કે મહામહિમ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમના નિધનથી ઊંડું દુઃખ થયું છે. સમાજની સેવા માટેના તેમના પ્રયાસોને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. હું રાજવી પરિવાર અને દુબઈની જનતા પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે.

https://twitter.com/narendramodi/status/2101992049801412947 


10 દિવસ સુધી અડધી કાઠીએ રહેશે ધ્વજ

શેખ અહમદના નિધન બાદ સોમવારથી દુબઈમાં 10 દિવસનો સત્તાવાર શોક શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર અમીરાતમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. 


આ પણ વાંચો    :   Ahmedabad: એક્ટિવાની ડેકી ખોલતાં જ ઉડી ગયા પોલીસના હોશ, અંદરથી નીકળ્યા 49 લાખ!