28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે માત્ર બે દેશો વચ્ચેનો સૈન્ય સંઘર્ષ રહ્યો નથી, પરંતુ તે એક વૈશ્વિક આર્થિક આપત્તિમાં ફેરવાઈ ગયું છે. યુદ્ધના 21મા દિવસે સ્થિતિ એવી છે કે દરિયાઈ માર્ગોથી લઈને વિમાન ભાડા સુધીની દરેક વસ્તુ પર તેની વિનાશક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ માં સર્જાયેલી અસ્થિરતાએ વિશ્વને પાયમાલ કરવાનું શરૂ કર્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિકનો ચિંતાજનક ઘટાડો
વિશ્વના કુલ ઉર્જા પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. યુદ્ધ પૂર્વે 27 ફેબ્રુઆરી સુધી અહીં દૈનિક સરેરાશ 106 જહાજોની અવરજવર રહેતી હતી, જે ગયા વર્ષના સરેરાશ 83 જહાજો કરતા વધુ હતી. જોકે, યુદ્ધ તીવ્ર બનતા માર્ચની શરૂઆતમાં આ સંખ્યા આશ્ચર્યજનક રીતે ઘટીને પ્રતિ દિવસ માત્ર 6 જહાજો થઈ ગઈ છે. આ ઘટાડો સૂચવે છે કે દરિયાઈ પરિવહન સુરક્ષિત રહ્યું નથી, જેના કારણે નૂર ભાડા (Freight charges) માં પણ જંગી વધારો થયો છે
કુદરતી ગેસ અને તેલના ભાવમાં ઉછાળો
પરિવહનમાં સર્જાયેલા અવરોધોની સીધી અસર બજાર પર પડી છે. કુદરતી ગેસના ભાવમાં ટૂંકા ગાળામાં જ ૧૦% નો વધારો નોંધાયો છે. ફેબ્રુઆરીના અંતમાં ગેસનો ભાવ $2.9 પ્રતિ MMBtu હતો, જે માર્ચના મધ્ય સુધીમાં વધીને $3.2 પર પહોંચી ગયો છે. આ વધારો આગામી દિવસોમાં વીજળી અને ઉદ્યોગોના ખર્ચમાં મોટો વધારો કરી શકે છે.
વૈશ્વિક પેટ્રોલ-ડીઝલના ભાવમાં જંગી વધારો
સંઘર્ષની સૌથી મોટી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી છે. 23 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન વિવિધ દેશોમાં પેટ્રોલના ભાવમાં થયેલો વધારો ચોંકાવનારો છે.
ઓસ્ટ્રેલિયા: 32% નો જંગી વધારો
અમેરિકા (USA): 24% નો વધારો
સિંગાપોર: 21% નો વધારો
સ્પેન: 19% નો વધારો
રસપ્રદ વાત એ છે કે, ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં ઇંધણના ભાવ હજુ સુધી સ્થિર છે. આનું મુખ્ય કારણ એ છે કે અહીંની સરકારો ભાવ પર કડક નિયંત્રણ રાખી રહી છે અને સરકારી તેલ કંપનીઓ હાલમાં નુકસાન વેઠીને પણ ભાવ વધારો અટકાવી રહી છે.
આ પણ વાંચોઃ Expensive Internet Countries: કયા દેશમાં ઇન્ટરનેટ સૌથી મોંઘુ, જાણો સૌથી વધુ કિંમતનું કારણ?