મધ્ય આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વના સ્વાસ્થ્ય તંત્રમાં ચિંતાની લહેર દોડી ગઈ છે. ઇબોલા વાયરસને કારણે માત્ર ત્રણ મહિનામાં જ આ જીવલેણ વાયરસના કારણે 2,000 કરતા વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે. ખાસ કરીને છેલ્લા 20 દિવસમાં જ સ્થિતિ એટલી હદે વણસી છે કે 1,000 થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જે આ વાયરસના અત્યંત ઝડપી અને ઘાતક ફેલાવા તરફ ઈશારો કરે છે.

ઇબોલાના કુલ 4381 શંકાસ્પદ કેસની પુષ્ટિ 

સરકારી આંકડાઓ અને મીડિયા અહેવાલ મુજબ, મંગળવાર સુધીમાં કોંગોના પાંચ અલગ-અલગ પ્રાંતોમાં ઇબોલાના કુલ 4381 શંકાસ્પદ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાંથી 2011 દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. ઇતિહાસ પર નજર કરીએ તો, 2014 થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ફેલાયેલા મહામારી બાદ વિશ્વનો આ બીજો સૌથી મોટો ઇબોલા પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

કોંગોમાં 2000 લોકોએ ગુમાવ્યા જીવ

સંયુક્ત રાષ્ટ્રના ઇમરજન્સી રિલીફ કોઓર્ડિનેટર દ્વારા નિયુક્ત સિનિયર ઇબોલા કોઓર્ડિનેટર જુલિયન હાર્નિસે સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મૃત્યુઆંક 2000 ને વટાવી ગયો છે અને દુઃખની વાત એ છે કે તેમાંથી અડધા મૃત્યુ તો માત્ર છેલ્લા 20 દિવસમાં જ થયા છે. તેમણે તમામ સરકારો, દાતાઓ, રાહત કાર્યકરો અને સ્થાનિક સમુદાયોને માનવજીવન બચાવવા માટે એક થઈને લડત આપવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ ચોમાસામાં ટુવાલ કેટલા દિવસમાં બદલી નાખવો જોઇએ?