વિશ્વના સૌથી ધનિક અબજોપતિ એલન મસ્કે અમેરિકાનાં દરેક બાળકને સ્પેસએક્સના 2 શેર આપવાની યોજના જાહેર કરી છે. આ યોજનાનું કુલ મૂલ્ય અંદાજે 18 અબજ ડોલર એટલે કે લગભગ 1.62 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. મસ્કના જણાવ્યા મુજબ, દરેક બાળકને એક શેર સ્પેસએક્સ તરફથી અને બીજો શેર તેમની વ્યક્તિગત હિસ્સેદારીમાંથી આપવામાં આવશે.
બે તબક્કામાં શેરનું ટ્રાન્સફર થશે
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ યોજનાની વિગતો આપી છે. કંપની તરફથી આપવામાં આવનારા શેર આગામી મહિને ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે મસ્કની વ્યક્તિગત હિસ્સેદારીમાંથી મળનારો શેર જૂન 2027માં તેમના લોક-અપ પિરિયડની મુદત પૂરી થયા બાદ આપવામાં આવશે.
ટ્રમ્પ એકાઉન્ટ સાથે શું છે કનેક્શન?
આ યોજના ટ્રમ્પ એકાઉન્ટ સાથે પણ જોડાયેલી છે. આ એકાઉન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરનાં અમેરિકન બાળકો માટે બનાવવામાં આવ્યા છે, જેથી તેઓ શેરબજારમાં રોકાણ કરીને પોતાની સંપત્તિ ઊભી કરી શકે.
અંદાજે 7 કરોડ એકાઉન્ટ ખોલવામાં આવ્યા
વ્હાઇટ હાઉસે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે આવા અંદાજે 7 કરોડ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જોકે, મસ્કની વ્યક્તિગત હિસ્સેદારીમાંથી મળનારો શેર માત્ર સક્રિય ટ્રમ્પ એકાઉન્ટ ધરાવતાં બાળકોને જ મળશે કે અમેરિકાનાં તમામ બાળકોને મળશે તે હજુ સ્પષ્ટ નથી.
બે શેરની કિંમત અંદાજે 23 હજાર રૂપિયા
આપવામાં આવેલી વિગતો મુજબ, બુધવારે સ્પેસએક્સના શેરનો બંધ ભાવ 127.44 ડોલર હતો. આ પ્રમાણે 2 શેરની કિંમત 254.88 ડોલર એટલે કે અંદાજે 23 હજાર રૂપિયા થાય છે. સમગ્ર યોજનામાં અપાનારા શેરનું કુલ મૂલ્ય આશરે 18 અબજ ડોલર ગણવામાં આવ્યું છે.
મસ્ક પાસે સ્પેસએક્સના 6.42 અબજ શેર
એલન મસ્કની અંદાજિત કુલ સંપત્તિ 824 અબજ ડોલર જણાવવામાં આવી છે. જૂન સુધીમાં તેમની પાસે સ્પેસએક્સના અંદાજે 6.42 અબજ શેર હોવાનું જણાવાયું હતું. સ્પેસએક્સની સ્થાપના મસ્કે વર્ષ 2002માં કરી હતી. કંપની અંતરિક્ષ ટેક્નોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે. ફેબ્રુઆરીમાં તેનું મસ્કની બીજી કંપની એક્સએઆઈ સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે કંપની શેરબજારમાં લિસ્ટ થઈ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
એન્થ્રોપિક પણ 54 અબજ ડોલરના શેરનું યોગદાન આપશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિકે પણ પોતાની હિસ્સેદારીનો એક ભાગ આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ ગયા મહિને જણાવ્યું હતું કે તે પોતાના 5% શેર એવા ફંડને આપશે, જેનો ઉપયોગ માનવતાના હિતમાં કામ કરતી યોજનાઓ માટે કરવામાં આવશે. હાલના બજારભાવ પ્રમાણે આ હિસ્સેદારીનું મૂલ્ય અંદાજે 54 અબજ ડોલર હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : 26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ