કુખ્યાત અમેરિકન નાણાકીય ગુનેગાર જેફરી એપ્સટિન, જે સેક્સ ટ્રાફિકિંગના ગંભીર આરોપોના કેન્દ્રમાં હતો, તેના મૃત્યુ બાદ જાહેર થયેલા દસ્તાવેજોએ (એપ્સટિન ફાઇલ્સ) સમગ્ર વિશ્વના રાજકીય અને સામાજિક વર્તુળોમાં સુનામી લાવી દીધી છે. આ ફાઇલોમાં નામ સામે આવ્યા બાદ અમેરિકાથી લઈને યુરોપ સુધીના અનેક દિગ્ગજોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપવા પડ્યા છે.
બ્રિટનમાં સત્તાના પાયા હચમચી ગયા
આ વિવાદની સૌથી વધુ અસર બ્રિટનમાં જોવા મળી છે. લેબર પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ રાજદૂત પીટર મેન્ડેલસને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે એપ્સટિન સાથે જોડાયેલા ખાતાઓમાંથી તેમને $25,000ની ચૂકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પણ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ધર્યું છે. આ વિવાદમાં બ્રિટિશ રોયલ ફેમિલીના પ્રિન્સ એન્ડ્રુનું નામ પણ ફરી ચર્ચામાં આવ્યું છે.
ફ્રાન્સ અને નોર્વેમાં તપાસનો ગાળિયો
ફ્રાન્સમાં ભૂતપૂર્વ સંસ્કૃતિ મંત્રી જેક લેંગનું નામ આ ફાઇલોમાં 600થી વધુ વખત દેખાયા બાદ તેમણે આરબ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું છે. ફ્રાન્સમાં તેમની સામે નાણાકીય તપાસ પણ શરૂ થઈ છે.બીજી તરફ, નોર્વેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન થોર્બજોર્ન જેગલેન્ડ સામે ગંભીર ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ હોવા છતાં, એપ્સટિન સાથેના તેમના ઇમેઇલ સંપર્કોએ તેમને વિવાદમાં મૂક્યા છે. નોર્વેની ક્રાઉન પ્રિન્સેસ મેટ-મેરિટે પણ આ સંપર્ક બદલ જાહેરમાં ખેદ વ્યક્ત કર્યો છે.
વૈશ્વિક સ્તરે રાજીનામાનો દોર
માત્ર રાજકારણ જ નહીં, પણ વ્યાપારી જગતમાં પણ તેની અસર પડી છે. અમેરિકાની મોટી લો ફર્મ 'પોલ વેઇસ'ના ચેરમેન બ્રેડ કાર્પે અને બાર્કલેઝના ભૂતપૂર્વ સીઈઓ જેસ સ્ટેલીએ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સ્લોવાકિયાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને સ્વીડનના UNHCR વડા જોઆના રુબિનસ્ટીન પણ આ લપેટામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Elon Musk: પૃથ્વી બાદ હવે ચંદ્ર બનશે માનવીઓનું નવું ઘર, આ તારીખથી શરૂ થશે નિર્માણ કાર્ય