અમેરિકામાં જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા કેસે ફરી એક વખત વિવાદ ઊભો કર્યો છે. એક પીડિતાએ ગુગલ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સામે ગંભીર આરોપો લગાવીને કેસ દાખલ કર્યો છે. પીડિતાનું કહેવું છે કે કેસ સંબંધિત દસ્તાવેજો જાહેર કરતી વખતે તેની અને અન્ય પીડિતોની ખાનગી માહિતી સુરક્ષિત રાખવામાં આવી નથી.

અમેરિકી ન્યાય વિભાગે કાનૂની જવાબદારીઓનું પાલન કર્યું નથી

અહેવાલ મુજબ પીડિતાએ આરોપ મૂક્યો છે કે અમેરિકી ન્યાય વિભાગે કાનૂની જવાબદારીઓનું પાલન કર્યું નથી. દસ્તાવેજો જાહેર કરતી વખતે વ્યક્તિગત ઓળખ દર્શાવતી માહિતી દૂર કરવામાં આવી નહોતી. તેમાં નામ, ઈમેઈલ, ફોન નંબર, વ્યવસાય અને ફોટોગ્રાફ જેવી સંવેદનશીલ વિગતો સામેલ હતી. વકીલોનું કહેવું છે કે આ પીડિતોની સુરક્ષા સાથે ગંભીર બેદરકારી છે અને પારદર્શિતાના નામે ઝડપમાં નિર્ણય લેવાયો હતો.

મામલામાં ગૂગલ પર પણ આરોપ છે કે તેણે આ દસ્તાવેજોને ઈન્ડેક્સ અને કેશ કરીને માહિતીના પ્રસારને વેગ આપ્યો. પીડિતાનું કહેવું છે કે સામાન્ય સર્ચ દ્વારા આ માહિતી સરળતાથી ઉપલબ્ધ છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્ચ ટૂલ્સ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જે અલગ-અલગ સ્ત્રોતોથી માહિતી જોડીને વ્યક્તિની સંપૂર્ણ પ્રોફાઈલ રજૂ કરી શકે છે.

ડેટા દૂર કરવાની વિનંતી

પીડિતાના વકીલો દ્વારા ગૂગલને ઘણી વખત આ ડેટા દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ આરોપ છે કે હજુ સુધી સંપૂર્ણપણે ડી-ઈન્ડેક્સ કરવામાં આવ્યો નથી. સરકારે કેટલીક માહિતી હટાવવાનો દાવો કર્યો છે, છતાં અનએડિટેડ દસ્તાવેજો હજુ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવે છે. આ કેસ ટેક કંપનીઓની જવાબદારી અને ડેટા પ્રાઇવસી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો : Hormuz Strait Indian Ships: મધ્યપૂર્વ યુદ્ધના જોખમ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટથી ભારત આવવા વધુ બે જહાજ રવાના