ચીનના શેનઝેનમાં ત્રણ મહાસત્તાઓના નેતાઓની બેઠક વચ્ચે એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. APEC (એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન) શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને એસ્કેલેટર પર મદદ કરતા જોવા મળ્યા હતા.
વ્હાઇટ હાઉસે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે શી જિનપિંગ એસ્કેલેટર તરફ આગળ વધે છે ત્યારે ટ્રમ્પ તેમની મદદ કરે છે. આ દૃશ્યે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
વ્હાઇટ હાઉસે શેર કર્યો વીડિયો
વ્હાઇટ હાઉસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો સાથે લખવામાં આવ્યું હતું કે, જો તમે આ વીડિયો ન જોયો હોય તો જોઈ લો. APEC શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એસ્કેલેટર પર રાષ્ટ્રપતિ શી જિનપિંગની મદદ કરી હતી.
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે સંમેલનમાં ટ્રમ્પ, શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ બેઠકોના એજન્ડામાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ, યુક્રેન અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ તેમજ વેપાર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ સામેલ છે.
https://x.com/RapidResponse47/status/2123322893098418486?a=K2K2Hm3VSF-HMejYKUA&s=20
ટ્રમ્પે શી જિનપિંગ અને પુતિન સાથે અલગ-અલગ બેઠક કરી
ત્રણેય નેતાઓની સંયુક્ત ચર્ચા પહેલાં ટ્રમ્પે શી જિનપિંગ અને પુતિન સાથે અલગ-અલગ મુલાકાતો પણ કરી હતી. શી જિનપિંગ સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ચીનને અમેરિકાના કૃષિ ઉત્પાદનોની વધુ ખરીદી કરવા અપીલ કરશે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકાના ખેડૂતો માટે ચીન પાસે વધુ સહયોગની માગ કરશે.
શી જિનપિંગે અમેરિકા સાથેના સંબંધોને સ્થિર ગણાવ્યા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા સાથેના સંબંધોને સ્થિર ગણાવ્યા હતા. તેમણે ટ્રમ્પને કહ્યું હતું કે તમે જે પ્રયાસો કર્યા છે તે સૌની સામે છે અને ઇતિહાસમાં નોંધાશે. બીજી તરફ, ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પુતિનને પોતાનો મિત્ર ગણાવ્યા હતા. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે આ વખતે બંને દેશો વચ્ચે ઘણું સારું થઈ શકે છે અથવા ઓછામાં ઓછું તેની શરૂઆત તો થઈ શકે છે.
પરમાણુ હથિયારો, યુદ્ધ અને AI મુદ્દે વિશ્વની નજર
આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે યુક્રેન અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ, પરમાણુ હથિયારો, વેપાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા મુદ્દાઓને લઈને વૈશ્વિક તણાવ યથાવત્ છે.
નિષ્ણાતોનું માનવું છે કે ત્રણ મહાસત્તાઓના નેતાઓની આ મુલાકાતથી કોઈ મોટી આશા રાખવી યોગ્ય નથી. જોકે, આ બેઠકોમાં થતી ચર્ચાઓ પર સમગ્ર વિશ્વની નજર છે.
આ પણ વાંચો:Azam Khan: જેલમાંથી બહાર આવતાં જ આઝમ ખાનનો રાજકીય ધડાકો, INDIA બ્લોક અને ઓવૈસી પર નિશાન