આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહ્યું છે, પરંતુ ગ્રીનલેન્ડ નજીકના એટલાન્ટિક મહાસાગરમાં એક એવી ઘટના બની રહી છે જે વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. વિશ્વના નકશામાં જ્યાં બધે તાપમાન વધવાના સંકેતો છે, ત્યાં આ પ્રદેશમાં એક 'કોલ્ડ બ્લોબ' (ઠંડો વિસ્તાર) જોવા મળી રહ્યો છે. 1880 થી 2025 સુધીના નાસાના ડેટા દર્શાવે છે કે જ્યારે વિશ્વ ગરમ થઈ રહ્યું છે, ત્યારે આ ચોક્કસ પ્રદેશમાં તાપમાન 0.9 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે.
રહસ્યમય ઠંડકનું મુખ્ય કારણ શું?
આ રહસ્યમય ઠંડકનું મુખ્ય કારણ 'એટલાન્ટિક મેરિડીયનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન' (AMOC) છે. આ એક વિશાળ 'ગ્લોબલ કન્વર્ટર બેલ્ટ' જેવું છે, જે વિષુવવૃત્તથી ગરમ પાણીને યુરોપ તરફ લઈ જાય છે અને ઠંડા પાણીને દક્ષિણ તરફ ધકેલે છે. આ પ્રવાહ એટલો શક્તિશાળી છે કે તે વિશ્વના હવામાનને સંતુલિત રાખે છે. જોકે, નવા સંશોધનો પુષ્ટિ કરે છે કે આ 'એન્જિન' હવે ધીમું પડી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેન્ડનો બરફ પીગળીને જે મીઠું પાણી સમુદ્રમાં ભળે છે, તે ખારા પાણીની ઘનતા ઘટાડે છે, જેના કારણે આ પ્રવાહની ગતિ મંદ પડી રહી છે.
તીવ્ર હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે
જો આ પ્રવાહ સંપૂર્ણપણે અટકી જાય, તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે, યુરોપમાં આ પ્રવાહ બંધ થવાથી તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે, જેનાથી ત્યાં તીવ્ર હિમયુગ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ માત્ર યુરોપ પૂરતું મર્યાદિત નથી; ભારત માટે પણ આ એક મોટો ખતરો છે. ભારતીય ચોમાસું મુખ્યત્વે સમુદ્રી પ્રવાહો અને તાપમાનના સંતુલન પર આધારિત છે. AMOC ના નબળા પડવાથી અલ-નીનોની તીવ્રતા વધશે, જે ભારતીય ચોમાસાને અનિયમિત અને વિનાશક બનાવશે. ભારતની અડધાથી વધુ ખેતીલાયક જમીન વરસાદ પર નિર્ભર છે, તેથી ચોમાસામાં આવતી અનિયમિતતા દેશની ખાદ્ય સુરક્ષા અને લાખો ખેડૂતોની આજીવિકા માટે ગંભીર સંકટ ઊભું કરી શકે છે.
કુદરતનું સંતુલન છે ખૂબ જ નાજુક
આ પરિસ્થિતિ આપણને યાદ અપાવે છે કે કુદરતનું સંતુલન કેટલું નાજુક છે. ગ્રીનહાઉસ વાયુઓનું વધતું પ્રમાણ માત્ર ગરમી જ નહીં, પણ સમુદ્રી પ્રવાહોની ગતિ બદલીને ભવિષ્યમાં માનવજાત માટે અસ્તિત્વની લડાઈ ઊભી કરી શકે છે. સમય આવી ગયો છે કે આપણે ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે ગંભીર અને તાત્કાલિક પગલાં ભરીએ.
આ પણ વાંચોઃ Dehradun : હિંદૂ યુવકની હત્યા બાદ દહેરાદૂનમાં ભડકી હિંસા,આરોપીના ઘર પર ફેરવ્યું બુલડોઝર, ઇન્ટરનેટ બંધ